12 August, 2025 09:16 AM IST | China | Gujarati Mid-day Correspondent
૯૦ વર્ષની હી નામની મહિલા
ચીનના જેઝિયાંગ પ્રાંતની ૯૦ વર્ષની હી નામની મહિલાએ દીકરાનો કેસ લડવા માટે કાયદો ભણવાનું શરૂ કર્યું છે. તેના દીકરા લિનનું નામ ૧૪૧ કરોડ રૂપિયાના હાઈ-પ્રોફાઇલ બ્લૅકમેઇલ કેસમાં જોડાયેલું છે અને તેની પોલીસે ધરપકડ કરી છે. વાત એમ છે કે લિનભાઈની ચીનના સૌથી અમીર ૧૦૦ ઉદ્યોગપતિઓમાંના હુઆંગ નામના ઉદ્યોગપતિને બ્લૅકમેઇલ કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી. હકીકતમાં લિન અને હુઆંગ ગૅસ પ્રોડક્શન બિઝનેસ માટે પાર્ટનર તરીકે કામ કરતા હતા. જોકે હુઆંગ ગૅસના બદલામાં પેમેન્ટ કરવાની બાબતે ઠાગાઠૈયા કરતો રહેતો હોવાથી લિનનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. લિને પોતાના પૈસા કઢાવવા માટે આ બાબતે ટૅક્સ વિભાગને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને હુઆંગે બ્લૅકમેઇલિંગ કરીને પૈસા લૂંટવા માગતી ધમકી તરીકે પોલીસમાં કેસ નોંધાવી દીધો. પોતાના જ પૈસા મેળવવા માટે દીકરાને બ્લૅકમેઇલર ગણાવનારા હુઆંગની ચુંગાલમાંથી છોડાવવા માટે લિનની ૯૦ વર્ષની મમ્મી સક્રિય બની ગઈ. તેમણે ખુદ ક્રિમિનલ લૉનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને કોર્ટના જૂના કેસ વાંચીને પોતાના દીકરાના કેસ માટેની દલીલો તૈયાર કરવાની શરૂઆત કરી. તેમણે દરરોજ કોર્ટમાં જઈને આ કેસને લગતા દસ્તાવેજો વાંચ્યા અને કોર્ટમાં પોતાના દીકરાનો કેસ પણ લડવાનું શરૂ કર્યું. આ ઉંમરે મમ્મીને આટલી દોડધામ કરતી જોઈને પરિવારજનોએ તેમને બહાર નીકળવાની ના પાડી, પણ મમ્મીનું કહેવું છે કે તે દીકરાને એકલો નહીં છોડે. હજી પણ આ મમ્મી દીકરાનો કેસ કોર્ટમાં લડી રહી છે.