02 June, 2025 02:02 PM IST | Canada | Gujarati Mid-day Correspondent
કૅનેડામાં લૉરેન્સ કૅમ્પબેલ નામના ભાઈ એક-દોઢ વર્ષથી ક્રિસ્ટલ નામની છોકરીના પ્રેમમાં હતા
કૅનેડામાં લૉરેન્સ કૅમ્પબેલ નામના ભાઈ એક-દોઢ વર્ષથી ક્રિસ્ટલ નામની છોકરીના પ્રેમમાં હતા. બન્નેએ લિવ-ઇનમાં સાથે રહેવાનું પણ શરૂ કરી દીધું હતું. ક્રિસ્ટલ વારંવાર લૉરેન્સને લૉટરીની ટિકિટ ખરીદવા માટે કહેતી. આખરે લૉરેન્સે લૉટરીની ટિકિટ ખરીદી અને તેનું નસીબ ચમક્યું. તેને પાંચ મિલ્યન કૅનેડિયન ડૉલર એટલે કે લગભગ ૩૦ કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો. જોકે લૉરેન્સ પાસે વૅલિડ ઓળખપત્ર અને સ્થાનિક બૅન્કમાં અકાઉન્ટ ન હોવાથી આ જૅકપૉટ તે રિસીવ કરી શકે એમ નહોતો. ખાસ્સા દિવસો પછી પણ જૅકપૉટની અમાઉન્ટ ક્લેમ ન થઈ હોવાથી લૉટરીની કંપનીએ જ લૉરેન્સને ઑપ્શન આપ્યો કે તે બીજા કોઈના નામે પણ આ રકમ લઈ શકે છે. લૉરેન્સને થયું કે દોઢ વર્ષથી જેની સાથે તે રહે છે તે ગર્લફ્રેન્ડના નામે જ રકમ લઈએ તો કેવું? કંપનીને પણ એમાં વાંધો નહોતો એટલે જ્યારે જૅકપૉટ આપવામાં આવ્યો ત્યારે લૉરેન્સે આ મોટો ચેક તેની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટલને બર્થ-ડે ગિફ્ટ તરીકે આપ્યો છે એવું પ્રોજેક્શન કર્યું. જોકે ક્રિસ્ટલને એ બહુ ગમ્યું હોય એવું લાગ્યું નહીં. રકમ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા પછી લૉરેન્સ અને ક્રિસ્ટલ વેકેશન માણવા માટે ગયાં હતાં ત્યારે એક દિવસ અચાનક જ ક્રિસ્ટલ હોટેલની રૂમમાંથી ગાયબ થઈ ગઈ. તેણે ફોન બંધ કરી દીધો અને તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લૉરેન્સને બ્લૉક કરી દીધો. લૉરેન્સે પોલીસમાં ફરિયાદ કરી અને ક્રિસ્ટલની શોધ ચલાવવામાં આવી ત્યારે તે મળી તો ખરી, પરંતુ કોઈ બીજા પ્રેમીની સાથે મળી હતી. હવે લૉરેન્સભાઈ ન તો લૉટરી કંપનીને ફરિયાદ કરી શકે એમ છે, ન ક્રિસ્ટલ પાસેથી પૈસા માગવા માટે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે એમ છે.