જેલની દીવાલ કોતરીને ભાગવાની કોશિશ કરી પણ બાકોરું થોડું નાનું પડતાં કેદી એમાં ફસાઈ ગયો

24 June, 2025 12:59 PM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

જેલના અધિકારીઓને જાણ કરવામાં આવી અને ડ્રિલિંગ મશીનથી બાકોરાને પહોળું કરીને કેદીને બહાર કાઢવામાં આવ્યો. એલનભાઈ જેલથી મુક્ત તો ન થઈ શક્યા, પરંતુ આ પળોજળમાં તેમના શરીરે ઘણી ઈજા થઈ.

બ્રાઝિલ જેલ

બ્રાઝિલના રિયો બ્રાન્કો શહેરમાં ૩૨ વર્ષના એક કેદીએ ભાગી જવા માટે એક સચોટ યોજના ઘડી કાઢી અને ખૂબ મહેનત કરી, પરંતુ એક નાનીઅમસ્તી ગરબડને કારણે તે ફસાઈ ગયો. એલન લિયોનાડ્રો દ સિલ્વાએ નખ અને ઝાડુની મદદથી પોતાના સેલની અંદરની એક દીવાલમાં બાકોરું પાડવાનું શરૂ કર્યું હતું. ખાસ્સા દિવસો સુધી તેણે ચોરીછૂપી દીવાલની અંદર બાકોરું પાડવાની મહેનત કરી અને પછી એક દિવસ તે એમાં ઘૂસીને નીકળવા ગયો. કેદી તરીકેનાં ક‍પડાં પણ તેણે સેલમાં જ કાઢી નાખ્યાં હતાં. જોકે તેના શરીર માટે બાકોરાનું માપ થોડું નાનું પડ્યું. તે ઘૂસી તો ગયો પરંતુ અંદર આગળ વધી ન શક્યો. તેણે મહેનત કરીને પાછા નીકળવાનો પ્રયાસ કર્યો તો એ પણ નિષ્ફળ ગયો. જોકે એટલી વારમાં બહાર તહેનાત ગાર્ડને શંકા જતાં તેણે સેલ ખોલ્યો તો કેદીભાઈ બાકોરામાં અધવચ્ચે ફસાયેલી હાલતમાં જોવા મળ્યા. તરત જ જેલના અધિકારીઓને જાણ કરવામાં આવી અને ડ્રિલિંગ મશીનથી બાકોરાને પહોળું કરીને કેદીને બહાર કાઢવામાં આવ્યો. એલનભાઈ જેલથી મુક્ત તો ન થઈ શક્યા, પરંતુ આ પળોજળમાં તેમના શરીરે ઘણી ઈજા થઈ.

brazil international news crime news news world news offbeat news