૨.૭ કરોડ રૂપિયાનો વીમો મેળવવા ભાઈએ પોતાનો જ પગ કાપી નાખ્યો 

20 June, 2026 02:04 PM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

પોતાની ગરીબી અને આર્થિક તંગીથી તંગ આવીને ભાઈએ પૈસા મેળવવા માટે એક અળવીતરો જુગાડ વિચાર્યો

ભાઈએ ચાર વીમા-પૉલિસીઓ લીધી હતી

સામાન્ય રીતે આપણે વીમો એ ચીજનો ઉતરાવીએ જે આપણા માટે બહુમૂલ્ય હોય. જોકે વીમાની રકમ મેળવીને પૈસાદાર થવા માટે કોઈ પોતાના પગ પર જ કુહાડી મારે એવું કઈ રીતે બને? જોકે બ્રાઝિલમાં ખરેખર આવું બન્યું હતું. એક ભાઈએ ચાર વીમા-પૉલિસીઓ લીધી હતી જેમાં તે જો દિવ્યાંગ થઈ જાય તો તેને ૨,૮૦,૦૦૦ ડૉલર મળે એવી જોગવાઈ હતી. પોતાની ગરીબી અને આર્થિક તંગીથી તંગ આવીને ભાઈએ પૈસા મેળવવા માટે એક અળવીતરો જુગાડ વિચાર્યો. જો તે દિવ્યાંગ થઈ જાય તો વીમાની રકમ મળી જાય અને એ પછીનું જીવન સરળ થઈ જાય. આ વિચારે તેણે પોતાનો જ પગ જાતે કાપી નાખ્યો. એ પછી જાણે અકસ્માત થયો છે એવી સિચુએશન ઊભી કરીને હૉસ્પિટલમાં ગયો. એ પછી સારવાર પૂરી થઈ અને તેણે દિવ્યાંગ સ્ટેટસ હેઠળ ૨.૮ લાખ ડૉલર એટલે કે લગભગ ૨.૭ કરોડ રૂપિયાની રકમ મેળવવા માટે અરજી કરી. જોકે વીમાકંપનીએ તો ભાઈ કઈ રીતે દિવ્યાંગ બન્યા એની ઊંડી મેડિકલ તપાસ કરાવી, જેમાં તેમનો ભાંડો ફૂટી ગયો. તેણે પોતાની સાથે લૂંટફાટ કરનારાએ પગ કાપી નાખ્યો એવું જણાવ્યું હતું, પરંતુ એ વાત નકલી સાબિત થઈ. એ પ્લાન ઉઘાડો પડી જતાં વીમાકંપનીએ વળતર 
ચૂકવવાની ના પાડી દીધી. હવે પગ પણ ગયો અને પૈસા મળવાની આશા પણ ગઈ.

brazil life insurance offbeat news international news world news