05 August, 2025 11:09 AM IST | Brazil | Gujarati Mid-day Correspondent
વાઈરલ તસવીર
બ્રાઝિલમાં એક મહિલાનું ચાલતી બસમાં અચાનક હાર્ટ-અટૅક આવવાને કારણે મૃત્યુ થયું હતું. સાથી મુસાફરોનું કહેવું હતું કે તેનું હૃદય બંધ પડી જઈને તે બેશુદ્ધ થઈ ગઈ એ પહેલાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેને શ્વાસ લેવામાં સરળતા રહે અને હૃદય પાછું ધબકતું થાય એ માટે ચિકિત્સકોએ તેની છાતી પર દબાણ આપવાની કોશિશ કરી તો ખબર પડી કે તેના શરીર સાથે કંઈક બંધાયેલું છે. કપડાં ઊંચાં કરીને જોયું તો આઇફોન ચિપકાવેલા હતા. એ પણ એક-બે નહીં, પૂરા ૨૬ આઇફોન તેણે શરીર પર ચિપકાવેલા હતા. એનાથી એવી શંકા જાય છે કે કદાચ તે ચોરી અથવા તો સ્મગલિંગનું કામ કરતી હશે. તેના સામાનમાં બીજા ફોન અને દારૂનો જથ્થો પણ મળ્યો હતો. તેની હાલત જોઈને મોબાઇલ ઇમર્જન્સી કૅર સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તેમણે લગભગ ૪૫ મિનિટ સુધી હૃદયને ફરીથી ધબકતું કરવા માટેની કોશિશ કરી હતી, પણ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ડૉક્ટરોને એ સમજાયું નહોતું કે તેના શરીર પર લાગેલા આટલાબધા મોબાઇલ ફોનને શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ-અટૅક સાથે કોઈ લેવાદેવા ખરી કે નહીં. પોલીસે મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે અને બૉડીને ફૉરેન્સિક તપાસ માટે મોકલી દીધું છે.