૧૮ વર્ષનો ટીનેજર જિમ જવા માટે નદી અને જંગલ પાર કરીને ૪૦ કિલોમીટરની સફર કરે છે

07 May, 2026 01:38 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

તમે પણ મેમ્બરશિપ ભરીને જિમમાં જવાનો કંટાળો અનુભવતા હો તો બ્રાઝિલના પારા રાજ્યમાં અલ્ટર ડો ચાઓ નામના ગામમાં એક નદી પાસે રહેતા ૧૮ વર્ષના ટીનેજરનું ફિટનેસનું ઝનૂન તમને જરૂર પ્રેરણા આપશે.

૧૮ વર્ષનો ટીનેજર જિમ જવા માટે નદી અને જંગલ પાર કરીને ૪૦ કિલોમીટરની સફર કરે છે

નવા વર્ષે જિમમાં જઈને ફિટનેસનો ગોલ નક્કી કર્યા પછી ગલીના નાકે આવેલા જિમની મેમ્બરશિપ ભરી દેવી સહેલી છે, પણ રોજ ઊઠીને જિમ સુધી પહોંચવાનું અઘરું છે. જોકે તમે પણ મેમ્બરશિપ ભરીને જિમમાં જવાનો કંટાળો અનુભવતા હો તો બ્રાઝિલના પારા રાજ્યમાં અલ્ટર ડો ચાઓ નામના ગામમાં એક નદી પાસે રહેતા ૧૮ વર્ષના ટીનેજરનું ફિટનેસનું ઝનૂન તમને જરૂર પ્રેરણા આપશે. આ ગામ એટલું નાનું છે કે ત્યાં જિમ છે જ નહીં. એટલું જ નહીં, મુખ્ય શહેરથી એ એટલું દૂર છે કે રોજ નજીકના શહેર સુધી જવા માટે પણ જંગલની વચ્ચે બોટિંગ કરીને બે બસો બદલવી પડે. એમ છતાં આ છોકરાને જિમમાં જઈને એક્સરસાઇઝ કરીને ફિટ રહેવાનો જબરો ચસકો છે. @awapinho2 નામના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પરથી તેણે પોતાની ફિટનેસની સફરને શૅર કરી છે. તે વીકમાં ચાર દિવસ બૉડી બનાવવા માટે જિમમાં જાય છે. આ માટે તે ઘરની પાસે આવેલી નદીને લાકડાની નાવડીમાં બેસીને પાર કરે છે. આ નદી બ્રાઝિલનાં ઘેરા જંગલોમાંથી પસાર થાય છે. જાણે ઍમૅઝૉનનું રેઇનફૉરેસ્ટ પાર કરતા હો એવો અનુભવ આ વિડિયોમાં જોવા મળે છે. નદી પાર કર્યા પછી તે જંગલ જેવા વિસ્તારમાં લગભગ બે-ત્રણ કિલોમીટર ચાલે છે. એ પછી ૩૦ કિલોમીટરનું અંતર બસમાં સફર કરીને પાર કરે છે. બે કલાકની આ જદ્દોજહદ પછી તે શહેરમાં આવેલા સૌથી નજીકના જિમ પર પહોંચે છે. એ પછી તે પ્રોટીન પાઉડરવાળું પાણી બનાવીને પીએ છે અને દોઢ કલાક સુધી જિમમાં એક્સરસાઇઝ કરે છે. 
ભાઈ વિડિયોમાં કહે છે કે તે પહેલાં ખૂબ જ દૂબળો પાતળો અને નબળો હતો. તેણે શરૂઆતમાં પાણીની બોટલો અને દોરડાનો ઉપયોગ કરીને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરેલું. એમાં તેને ફાયદો થયો એ પછી તેને વર્કઆઉટની કિંમત સમજાઈ અને તેણે જિમમાં જવાનું શરૂ કર્યું. વીકમાં ચાર વાર આટલી મુશ્કેલ સફર કરીને જિમ પર જવા માટે ખરેખર ફિટ રહેવાની ભૂખ જોઈએ. 

offbeat news amazon brazil social media viral post international news