06 June, 2026 12:02 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બ્રાઝિલમાં મોટરસાઇકલ વેચતા એક ડીલરે નવો શોરૂમ શરૂ કર્યો ત્યારે પબ્લિસિટી માટે થઈને એક અનોખી પ્રમોશનલ ચૅલેન્જ શરૂ કરી હતી. એ ચૅલેન્જ એટલી વાઇરલ થઈ કે માર્કેટિંગના કોઈ ખર્ચ વિના આ શોરૂમ પર ગ્રાહકોની લાઇન લાગવા લાગી છે. અલબત્ત, આ ગ્રાહકો સ્ટન્ટ કરીને ફ્રીમાં બાઇક ખરીદવામાં જ ઇન્ટરેસ્ટેડ છે. શોરૂમવાળાએ એક નવીનક્કોર બાઇકને છત પર ઊંધી બાંધેલી છે. જેણે પણ ફ્રીમાં બાઇક જીતવી હોય તેણે એ બાઇકનું હૅન્ડલ પકડીને શરીરને ઊંચું કરીને ઊંધી બાઇક પર બેસવાનું છે અને માથું નીચે અને પગ ઉપર હોય એ સ્થિતિમાં બાઇક પર ૧૦ મિનિટ માટે બેસી રહેવાનું છે. વચ્ચે એકેય વાર બાઇક પરથી લપસી પડો એ ન ચાલે. આ ચૅલેન્જ ઉપાડી તો સેંકડો લોકોએ, પણ એમાંથી આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો બાઇકનું હૅન્ડલ પકડીને બાઇક પર ઊંધા બેસી શક્યા. આ ચંદ લોકોમાંથી હજી એકેય વ્યક્તિ ૧૦ મિનિટ સુધી બાઇક પર ટકી શકી નથી. જોકે દરેક વ્યક્તિ પોતાના સ્ટન્ટના પ્રયત્નનો વિડિયો બનાવીને એને સોશ્યલ મીડિયા પર મૂકી રહી છે એને કારણે શોરૂમવાળાને મફતમાં જબરદસ્ત પબ્લિસિટી મળી ગઈ હતી.