05 May, 2025 12:23 PM IST | Bagalkote | Gujarati Mid-day Correspondent
અભિષેક ચોલાચગુડ્ડા અને પેરન્ટ્સ
કર્ણાટકના બાગલકોટમાં આવેલી બસવેશ્વર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા અભિષેક ચોલાચગુડ્ડા નામના સ્ટુડન્ટને દસમા ધોરણની પરીક્ષામાં ૬૦૦માંથી માત્ર ૨૦૦ માર્ક્સ એટલે કે ૩૨ ટકા જ મળ્યા હતા. તે છએ છ વિષયમાં બોર્ડની એક્ઝામમાં નાપાસ થયો હતો. તમામ વિષયમાં નાપાસ થયો એટલે તેના દોસ્તોએ તેની મજાક ઉડાડવાની શરૂ કરી હતી, પણ પેરન્ટ્સે તેના પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું. તેમણે દીકરાને વઢીને કે નીચાજોણું કરાવીને હતોત્સાહ કરવાને બદલે ઘરમાં નાની કેક મગાવીને દીકરાની ફેલ્યરને પણ ઊજવી હતી. તેના પપ્પાનું કહેવું હતું કે દીકરાનું પરિણામ નિરાશાજનક હતું, પરંતુ એનો મતલબ એ નથી કે આ રિઝલ્ટથી વિશ્વનો અંત આવી જાય. તેના પેરન્ટ્સે તેને ફરીથી પરીક્ષા આપવા માટે અને હાર ન માનવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેના પપ્પાએ કેકનો ટુકડો ખવડાવતાં દીકરાને કહ્યું હતું કે ‘તું કદાચ પરીક્ષામાં નાપાસ થયો છે, પરંતુ જીવનમાં નહીં. તું હંમેશાં ફરીથી ટ્રાય કરીને નેક્સ્ટ ટાઇમ સફળ થઈ શકે છે.’
પિતાના સપોર્ટથી ગદ્ગદ થઈ ચૂકેલા અભિષેકનું કહેવું હતું કે ‘હું નાપાસ થયો તો પણ મારા પરિવારે મને પ્રોત્સાહિત કર્યો છે. હું ફરી પરીક્ષા આપીશ, પાસ થઈશ અને જીવનમાં સફળ થઈશ.’