13 December, 2025 01:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બિઝનેસમૅન ટિમ બોયલ
અમેરિકાની એક જાણીતી સ્પોર્ટ્સવેર કંપનીના બિઝનેસમૅન ટિમ બોયલે અતિશય વિચિત્ર જાહેરાત કરી છે. તેમણે પૃથ્વીના આકાર વિશે વૈજ્ઞાનિકોને ચૅલેન્જ કર્યા છે. ટિમભાઈએ પડકાર આપ્યો છે કે જે વ્યક્તિ પૃથ્વીને ફ્લૅટ એટલે કે ચપટી સાબિત કરી બતાવશે તેને તેઓ ૩ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૭,૦૦૦ કરોડ રૂપિયાનું ઇનામ આપશે. ટિમભાઈ પોતે ૭૬ વર્ષના છે. તેમણે પોતાની કંપનીનું એક નવું સ્માર્ટ માર્કેટિંગ કૅમ્પેન શરૂ કર્યું છે. એક્સ્પીડિશન ઇમ્પૉસિબલ નામ સાથેનું આ નવું કૅમ્પેન કહેવા માગે છે કે પૃથ્વીનો કોઈ છેડો નથી એટલે એને આખેઆખી ખૂંદી નાખવાનું કદી શક્ય નથી. કોલંબિયા સ્પોર્ટ્સવેઅરની જાહેરાતમાં ટિમભાઈ કહે છે કે હે ફ્લૅટ અર્થર્સ! જરા અનુભવવાની વાત છે, જો તમે ધરતીના કિનારા સુધી જવાના હો તો કોલંબિયાનું જૅકેટ પહેરીને જ જજો. ધરતીને ખૂંદવાનું ક્યારેય પૂરું થવાનું નથી અને એ ખૂંદવાના કામમાં તમને આ કંપનીનાં સ્પોર્ટ્સવેઅર ખૂબ જ કામ આવશે એવું કહેવા માગતા ટિમભાઈએ લોકોને ચૅલેન્જ આપી છે કે પૃથ્વી જો ગોળ હોય તો એનો છેડો ન હોય, પણ જો ચપટી હોય તો એનો છેડો જરૂર હોય અને એ છેડાની તસવીર લાવીને કોઈ મને આપશે તો હું તેને મારી પૂરી સંપત્તિ આપી દઈશ. ટિમભાઈની હાલમાં નેટવર્થ ૩ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૭,૦૦૦ કરોડ રૂપિયા છે.