13 April, 2025 05:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બિલ ગેટ્સ અને તેમનો પરિવાર
માઇક્રોસૉફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ તેમની ૯૯ ટકા સંપત્તિ દાનમાં આપી દેશે અને એક ટકો સંપત્તિ તેમનાં સંતાનોને આપશે. તેઓ ઇચ્છે છે કે બાળકોને સંપત્તિ આપવાને બદલે તેઓ જાતે સફળ બને. બિલ ગેટ્સની સંપત્તિ ૧૬૨ અબજ ડૉલર (આશરે ૧૩,૯૦૦ અબજ રૂપિયા) છે. એમાંથી તેઓ ૧.૬૨ અબજ ડૉલર (આશરે ૧૩,૯૪૯ કરોડ રૂપિયા) તેમનાં ત્રણ સંતાનો માટે ફાળવશે. આટલી સંપત્તિ પણ તેમને ધનવાન લોકોની યાદીમાં જરૂર રાખશે.
એક પૉડકાસ્ટમાં બિલ ગેટ્સે કહ્યું હતું કે ‘મેં બાળકોને સારું શિક્ષણ આપ્યું છે. તેમને સફળતા પણ મળી છે અને હવે તેમને પોતાની ઓળખ મળવાની બાકી છે. આ કોઈ રાજવંશ નથી. હું તેમને માઇક્રોસૉફ્ટનો બિઝનેસ કરવા માટે નથી કહેતો. હું ઇચ્છું છું કે તેઓ પોતાની આવક મેળવે અને તેમને પણ સફળતાનો અવસર મળે. બાળકોએ ખુદ મહેનત કરવી જોઈએ.’
મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ સાથેનાં બિલ ગેટ્સનાં લગ્ન ૨૭ વર્ષ ટક્યાં હતાં અને એમાં તેમને ત્રણ સંતાનો છે જેમાં ૨૮ વર્ષની દીકરી જેનિફર કૅથરિન ગેટ્સ, ૨૫ વર્ષના પુત્ર રોરી જૉન ગેટ્સ અને બાવીસ વર્ષની દીકરી ફીબી એડેલ ગેટ્સનો સમાવેશ છે. બિલ અને મેલિન્ડા બાળકોનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી છૂટાં પડ્યાં હતાં. ફીબી માત્ર પબ્લિક લાઇફમાં વધારે જોવા મળે છે. જેનિફરે પબ્લિક હેલ્થમાં ગ્રૅજ્યુએશન કર્યું છે અને તે પ્રોફેશનલ ઘોડેસવાર છે. તેણે ફ્રેન્ડ અને ઘોડેસવાર નાયલ નાસર સાથે લગ્ન કર્યાં છે અને તેને બે દીકરીઓ લીલા અને મિયા છે. રોરીએ ડબલ મેજર અને માસ્ટરની ડિગ્રી લીધી છે. ફીબી એડેલ ગેટ્સ ફૅશનમાં શોખ ધરાવે છે. તેણે ફિયા નામની એક બ્રૅન્ડ શરૂ કરી છે.
૬૯ વર્ષના બિલ ગેટ્સે આ પહેલાં એમ કહ્યું હતું કે તેમની સંપત્તિનો ઘણો મોટો હિસ્સો તેમનાં બાળકોને સોંપવામાં આવશે. બિલ ગેટ્સે આ પહેલાં ત્રણેય સંતાનોને ૧૦-૧૦ કરોડ રૂપિયા ગિફ્ટરૂપે આપ્યા હતા. બિલ ગેટ્સની સંપત્તિ બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવામાં આવશે જે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સંસ્થા છે.