06 February, 2024 11:13 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
અનિલ કડસુર
બૅન્ગલોરના ફિટનેસ-પ્રેમી અનિલ કડસુરે ૩૧ જાન્યુઆરીએ સોશ્યલ મીડિયા પર તેમની અનોખી સિદ્ધિ પોસ્ટ કરી હતી. તેમણે ૪૨ મહિના સુધી રોજેરોજ ૧૦૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું હતું. જોકે એ રાતે ૪૫ વર્ષના અનિલ કડસુરને અસ્વસ્થતા જણાતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમનસીબે તેઓ ઘરે પાછા ન આવી શક્યા. અનિલ કડસુરનું બીજી ફેબ્રુઆરીએ શુક્રવારે સવારે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું.
૧૦૦૦ દિવસથી વધુ સમય સુધી દરરોજ ૧૦૦ કિલોમીટર સાઇકલ ચલાવવાની તેમની અસાધારણ અચીવમેન્ટ માટે જાણીતા અનિલ કડસુર બૅન્ગલોરમાં સાઇક્લિંગ ગ્રુપ્સ માટે પ્રેરણારૂપ બન્યા હતા. તેમણે ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા અને ઘણા લોકોને સાઇક્લિંગ અને ફિટનેસ અપનાવવા માટે પ્રભાવિત કર્યા હતા. અનિલના આકસ્મિક મૃત્યુએ તેમના ચાહકોના હૃદયમાં ખાલીપો પ્રસરાવી દીધો છે અને તીવ્ર શારીરિક પ્રવૃત્તિ અને હેલ્થ વચ્ચેના સંતુલન વિશે વાતચીત શરૂ કરી દીધી છે. ઘણા સાઇકલપ્રેમીઓ, રાજકારણીઓ, ડૉક્ટરો, ફિટનેસ એક્સપર્ટ્સ અને સામાન્ય બૅન્ગલારવાસીઓએ પણ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર શૉક વ્યક્ત કર્યો હતો.