29 November, 2023 10:56 AM IST | philippines | Gujarati Mid-day Correspondent
બનાના હેમર
કેળા જેવી દેખાતી અને કેળાના આકારની વિવિધ કદની હથોડીની એક જપાની પ્રોડક્ટ આજકાલ વાઇરલ થઈ છે. આઇકેડા આમ તો ધાતુની કંપની છે, પરંતુ આ પ્રકારની અન્ય કંપનીઓ કરતાં એ સાવ જુદી પડે છે, કારણ કે એ લોકોનું ધ્યાન ખેંચે અને સોશ્યલ મીડિયામાં ઑનલાઇન વાઇરલ થાય એવા પ્રકારની પ્રોડક્ટ પર વિશેષ ધ્યાન આપે છે.છેલ્લાં થોડાં વર્ષોમાં આ કંપનીએ એનિમ ઇન્સ્પાયર્ડ રોબો માસ્ક અને પાઇનૅપલથી માંડીને બ્રોકલી જેવાં ફળ અને શાકભાજીની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકા બનાવી છે. જોકે આ કંપનીની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ આ બનાના હૅમર બની છે.
બનાના હથોડીની પ્રોડક્ટ લોકપ્રિય બનવાને કારણે કંપનીએ એનાં વિવિધ વર્ઝન બનાવ્યાં છે. બનાના હૅમર પ્રોડક્ટ કંપનીએ થોડા સમય પહેલા લૉન્ચ કરી હતી. ફિલિપીન્સમાં ઊગતા એક ખાસ કેળાની પ્રતિકૃતિરૂપે એ પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. પ્રોડક્ટમાં નવીનતા છે અને એમાં ગુણવત્તા પણ છે એને કારણે એ ભારે લોકપ્રિય છે. હૅમર બનાનાની નાની-મોટી પ્રતિકૃતિઓ પેપરવેઇટ તરીકે પણ વપરાય છે. આ પ્રોડક્ટ લોકો ઑનલાઇન ખરીદી શકે છે. નાની હૅમરની કિંમત ૨૨ ડૉલર (૧૮૩૩ રૂપિયા) અને મોટી હૅમરની કિંમત ૮૦ ડૉલર (૬૬૬૭.૧૬ રૂપિયા) છે.
આ કંપની દાવો કરે છે કે આ પ્રકારની પ્રોડક્ટ ફક્ત અમે જ બનાવીએ છીએ.