16 August, 2025 02:47 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
દોઢ વર્ષની વાછરડી પશુચિકિત્સકો માટે સંશોધનનો વિષય બની ગઈ છે
સામાન્ય રીતે બચ્ચાને જન્મ આપ્યા પછી જ ગાય દૂધ આપતી હોય છે, પરંતુ અયોધ્યામાં ઉત્તમ તિવારી નામના ખેડૂતને ત્યાં એક વાછરડી છે જે કદી પ્રેગ્નન્ટ નથી થઈ અને એણે કોઈ બચ્ચાને જન્મ પણ નથી આપ્યો છતાં એ દૂધ આપે છે. કોઈ એને ચમત્કાર માને છે તો કોઈ એને બીમારીનું લક્ષણ માને છે. દોઢ વર્ષની વાછરડી પશુચિકિત્સકો માટે સંશોધનનો વિષય બની ગઈ છે. ઉત્તમ તિવારીનું કહેવું છે કે ‘૨૦૨૪ના એપ્રિલ મહિનામાં મારે ત્યાં વાછરડીનો જન્મ થયો હતો. જોકે હમણાં ગયા અઠવાડિયે જોયું તો એનાં આંચળ ખૂબ જ ફૂલી ગયેલાં હતાં. અમે પ્રાણીઓના ડૉક્ટરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે આ ગર્ભવતી નથી થઈ છતાં એનાં આંચળમાં દૂધનો ભરાવો છે.’
ડૉક્ટરોનું કહેવું હતું કે શરીરમાં થતા હૉર્મોનલ બદલાવને કારણે આવું થયું હોઈ શકે, એવામાં જો આંચળમાં ભરાયેલું દૂધ દોહી નાખવામાં આવે તો કદાચ વાછરડીને રાહત થાય. એ પછી
ઉત્તમભાઈએ રોજ દૂધ દોહવાનું શરૂ કર્યું તો પહેલાં એક લીટર જેટલું દૂધ નીકળતું હતું. હવે ધીમે-ધીમે વધીને એક વારમાં અઢી લીટર દૂધ આવે છે.