24 August, 2025 12:19 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ગામના આઇ ચેક-અપ કૅમ્પમાં મહિલાએે લડ્ડુ ગોપાલની આંખોની ટેસ્ટ કરાવી
રાજસ્થાનમાં ચાલી રહેલા રામદેવરા ભાદરવા મેળામાં ગ્રામજનોની આંખોની તપાસ માટેનો કૅમ્પ લાગ્યો હતો. ગામેગામ ફરતા આ મેળામાં લગભગ ૪૩,૦૦૦ લોકોએ આંખોનું ચેકઅપ કરાવ્યું હતું. જોકે ગયા અઠવાડિયે રામસરોવર તળાવ પાસેના મેડિકલ કૅમ્પમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક બહેન પોતાના લડ્ડુ ગોપાલને આંખોનું ચેકઅપ કરવા લાવ્યાં હતાં. બહેનનું કહેવું હતું કે કાનુડો તેના પોતાના પુત્ર જેટલો જ વહાલો છે. ઘણાં વર્ષોથી આ લડ્ડુ ગોપાલ તેમના ઘરે બિરાજમાન છે એવામાં તેમની આંખોને પણ જો કોઈ તકલીફ હોય તો એ ચેક કરાવી લેવાની આશાથી આ બહેને પોતાના લાલાનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું.
ફૉર્મમાં નામ લખ્યું હતું લડ્ડુ ગોપાલ, જન્મતારીખ હતી જન્માષ્ટમી અને જન્મસ્થળ લખ્યું હતું જગન્નાથ મંદિર. જે વૈષ્ણવોના ઘરે લડ્ડુ ગોપાલની પધરામણી થતી હોય છે તેમના માટે કાનુડા સાથે લાગણીનો નાતો બંધાઈ જતો હોય છે. એ ધ્યાનમાં રાખીને આઇ કૅમ્પવાળા ડૉક્ટરે પણ કોઈ આનાકાની કર્યા વિના આંખ ચેક કરવાના મશીનમાં કાન્હાની આંખો તપાસી આપી હતી. તપાસ પછી કહ્યું કે તમારા લડ્ડુ ગોપાલની આંખો એકદમ ટકાટક છે.