17 June, 2023 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરઘાંઓની પાછળ જતાં શોધાયું પ્રાચીન ભૂગર્ભ શહેર
ટર્કીમાં એક વ્યક્તિ પોતાનાં મરઘાંઓને પકડવા માટે ભાગી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ૨૦,૦૦૦ લોકોને સમાવી શકાય એવું પ્રાચીન ભૂગર્ભ શહેર શોધી કાઢ્યું હતું. ટર્કીના કેપ્પાડોસિયામાં આ ઘટના બની હતી, જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરમાં રિનોવેશન દરમ્યાન ભોંયરામાં ભરાયેલાં મરઘાંઓને પકડવા જઈ રહ્યો હતો. મરઘાંની પાછળ જતાં-જતાં ભોંયરામાં તેને એક પોલાણ જોવા મળ્યું હતું. ખરેખર તો આ એક આખું શહેર હતું જેનું પ્રાચીન નામ એલેન્ગુબુ હતું, જે આજે ડેરિંક્યુના નામે ઓળખાય છે. તેના ઘરની દીવાલની પાછળ એક કાળી ટનલ જોવા મળી હતી. આમ અજાણતાં એ સૌથી અશ્વિસનીય ઐતિહાસિક શોધ હતી. આ શહેર દરિયાઈ સપાટીથી લગભગ ૨૮૦ ફુટ નીચે હતું. આમ ૧૯૬૩માં પહેલી વાર વિશ્વને સૌથી મોટું ભૂગર્ભ શહેર મળ્યું હતું. એલેન્ગુબુમાં ૬૦૦ જેટલાં પ્રાઇવેટ ઘર હતાં. અંદાજે ૨૦,૦૦૦ લોકો અહીં રહી શકતા હતા. સંશોધકોએ કુલ ૧૮ સ્તરની ટનલ શોધી હતી. અહીં ઘર ઉપરાંત એક સ્કૂલ, એક ચર્ચ, પશુઓના તબેલા, સંગ્રહ કરવા માટેની વસ્તુઓ અને વાઇનરી પણ હતી. શહેરમાં એક વેન્ટિલેશન સિસ્ટમ પણ હતી, જેમાંથી રહેવાસીઓને તાજી હવા અને પાણીનો સતત પુરવઠો મળતો હતો. જોકે ભૂગર્ભમાં રહેવું ઘણું મુશ્કેલ હતું. ટર્કીના નિષ્ણાતોએ કહ્યું હતું કે એલેન્ગુબુ આ શહેર ઈસવી સન પૂર્વે પંદરમી સદી અથવા સાતમી સદીમાં બનાવવામાં આવેલું હોવું જોઈએ. જોકે આ શહેર રહેવાસીઓને તેમના દુશ્મનોથી છુપાવા માટેની સગવડ આપે છે. રોમન શાસનથી બચવા માગતા ખ્રિસ્તીઓ અહીં આવ્યા હતા. તેમણે એની શોધ કરી હતી તેમ જ એમાં ચર્ચ, સ્કૂલ તથા અન્ય વસ્તુઓ ઉમેરી હતી. જોકે આ શહેર એ પહેલાં પણ અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ એની ત્યાં દફનાઈ ગયેલાં લખાણ પરથી ખબર પડે છે. અગાઉ એનો ઉપયોગ માત્ર માલસામાનના સંગ્રહ માટે જ કરવામાં આવતો હતો અને ત્યાર બાદ એનો ઉપયોગ બંકર તરીકે થવા માંડ્યો હતો.