ઍરબૅગ જેવું ટી-શર્ટ

28 May, 2023 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલમાં જ આનંદ મહિન્દ્રએ એક ઇવેન્ટમાં રજૂ કરાયેલા એક ટી-શર્ટનો વિડિયો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્ર હંમેશાં સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે તથા તેમને પસંદ પડે એવી પોસ્ટ મૂકી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે. પોતાના ટ્વિટર હૅન્ડલ પર આનંદ મહિન્દ્ર રસપ્રદ, પ્રેરણાત્મક અને અવનવી માહિતીઓ ઠાલવતા રહે છે. તેઓ મોટે ભાગે દેશી જુગાડ કે દેશી નવીનતાઓને વધુ પ્રોત્સાહન આપતા હોય છે.

હાલમાં જ તેમણે એક ઇવેન્ટમાં રજૂ કરાયેલા એક ટી-શર્ટનો વિડિયો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં દર્શાવાયું હતું કે બાળકોને ડૂબતા બચાવે એવું આ ટી-શર્ટ પાણીમાં પડતાં જ લાઇફ સેવિંગ જૅકેટમાં ફેરવાઈ જાય છે અને પાણીમાં પડેલા બાળકની ફરતે એક સુરક્ષા લેયર રચે છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ ટી-શર્ટ પહેરેલું ડમી જેવું પાણીમાં પડે છે ત્યારે એનું ટી-શર્ટ ઍરબૅગની જેમ ખૂલી જાય છે.

આનંદ મહિન્દ્ર કહે છે કે આ ટી-શર્ટ કદાચ નોબેલ પ્રાઇઝ ન જીતે, તેમ છતાં મારા બે પૌત્રોની સુરક્ષા મારા માટે અતિ મહત્ત્વની હોવાથી મારા માટે આ એક શ્રેષ્ઠ શોધ છે. આ વિડિયોને લગભગ ૧૦ લાખ વ્યુઝ મળ્યા છે.

offbeat news national news viral videos anand mahindra