06 May, 2025 02:23 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટિમ ફ્રીડે
અમેરિકાના ટિમ ફ્રીડે નામના અભ્યાસુએ પોતાના શરીરને જ પ્રયોગશાળા બનાવી દીધું છે. તેમણે છેલ્લાં ૨૦ વર્ષથી થોડું-થોડું સાપનું ઝેર લઈને શરીરમાં કુદરતી રીતે જ સાપના ઝેર સામે લડી શકાય એવી ક્ષમતા ડેવલપ કરી લીધી છે. શરીર થોડી માત્રામાં ઝેર ખમી લે એ પછી ફરીથી એનાથી થોડું વધારે ઝેર શરીરમાં નખાય છે અને ઉત્તરોત્તર માત્રા વધારતા જઈને તેમ જ વિવિધ પ્રકારના સાપનાં ઝેરનો ઉમેરો કરીને શરીરમાં કુદરતી રીતે એ માટેનાં ઍન્ટિબૉડીઝનું નિર્માણ થવા માંડે છે. ૨૦ વર્ષમાં ટિમે લગભગ ૭૦૦ વાર ઝેરના ઉત્તરોતર વધતા ડોઝ લઈને પોતાની જાતને એટલી હાઇપર ઇમ્યુન કરી લીધી છે કે હવે તેના શરીર પર કોઈ ઝેરની અસર નથી થતી.
આ પ્રયોગ પછી ટિમને ૨૦૦ વાર અલગ-અલગ પ્રકારના સાપ કરડાવવામાં આવ્યા છે અને એમાંથી કોઈ પણ ઝેર તેના શરીરમાં માઠી અસર કરી શક્યું નથી. મતલબ કે તેના લોહીમાં એટલી મજબૂત રોગપ્રતિકારકતા ડેવલપ થઈ ગઈ છે કે તેના લોહીમાંથી ઍન્ટિબૉડીઝ કાઢીને એમાંથી હવે વૈજ્ઞાનિકો વૅક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ટિમના લોહીમાંથી તારવેલાં ઍન્ટિબૉડીઝ એ વિશ્વના કોઈ પણ સાપના ઝેર પર અસરકારક થઈ શકશે એવો દાવો વૈજ્ઞાનિકોનો છે. હવે આ ભાઈ હરતીફરતી વૅક્સિનની ફૅક્ટરી તરીકે પણ ફેમસ થઈ ગયા છે.