08 October, 2023 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાણી પર તરતો લક્ઝરી ટાપુ વિલા
હવે એક વૈભવી ટાપુ વિલા એક ટૂરિસ્ટ હૉટસ્પૉટ બનવા તૈયાર છે. મૉલદીવ્ઝમાં અદ્ભુત પેન્ટાગૉન આકારનો આવાસ બનાવવામાં આવી રહ્યો છે. આ યોજના ટૂરિસ્ટ માટે ક્રિસ્ટલ વૉટર, વિશાળ બેડરૂમ, બાથરૂમ અને લિવિંગ એરિયા તેમ જ બગીચો અને વુડન ટેરેસનાં દૃશ્યો સાથે પૅરૅડાઇઝનો અનુભવ કરાવશે. આ ટાપુ એક અલગ જ પેન્ટાગૉન આકારનો છે, જેમાં વચ્ચે ખુલ્લો વિસ્તાર છે જેથી ભવ્ય સૂર્ય નિહાળવા રજા માણનારાઓને આકર્ષી શકે. વિલાની આજુબાજુની વિશાળ બારીઓ તમને સમુદ્ર તરફ ડોકિયું કરવા દે છે, જેથી સ્વર્ગમાં જાગવું જાણે સરળ થઈ શકશે. ટાપુનો અડધો ભાગ રહેવા માટે ઊભો કરવામાં આવ્યો છે અને બીજી બાજુ ઉપરથી કૂદકો મારવા અને ડેકચૅર સાથે સન બાથ માણવા માટે તૈયાર કરાયો છે. ટાપુની દરેક અનુભૂતિને પૂર્ણ કરવા માટે આ ફ્લોટિંગ વિલામાં બગીચાના એક ખૂણે એક વૃક્ષ પણ છે. કોપનહેગન સ્થિત મૅરિટાઇમ આર્કિટેક્ચર ગ્રુપ માસ્ટે ફૅન્સી ઑફ-ગ્રિડ ફ્લોટિંગ વિલા બનાવવા માટે સ્થાનિક ડેવલપર્સ સાથે ભાગીદારી કરી છે. ગયા ઑગસ્ટમાં સરકારને આ ઇનોવેટિવ સ્ટ્રક્ચર રજૂ કરવામાં આવ્યાં હતાં. ફ્લોટિંગ વિલા જમીન પરના તમારા સામાન્ય રિસૉર્ટ્સ કરતાં એકદમ અલગ ઉચ્ચ સ્તરનો અનુભવ પ્રદાન કરવા સોલર સેલ, ઑન-બોર્ડ વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ અને વૉટર પ્રોડક્શન ડિવાઇસ સહિતની વિવિધ તક્નિકનો ઉપયોગ કરે છે. આ અદ્ભુત ટાપુ કિનારાથી દૂર હોવાને કારણે એના સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો બોટ, સ્વિમિંગ અથવા પૅડલબોર્ડ છે.