24 October, 2022 09:33 AM IST | Sacramento | Gujarati Mid-day Correspondent
એલેફ ઍરોનૉટિક્સે એની ઇવિટોલ મૉડલ ‘એ’ અને ‘એલેફ ઝીરો’ ફ્લાઇંગ કાર
ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશન કંપની એલેફ ઍરોનૉટિક્સે એની ઇવિટોલ મૉડલ ‘એ’ અને ‘એલેફ ઝીરો’ ફ્લાઇંગ કાર રજૂ કરી છે જે હાલની જોવા મળતી હેલિકૉપ્ટર જેવી કારની તુલનાએ સામાન્ય કાર જેવી જ દેખાય છે. જોકે નજીકથી જોઈએ તો એ વધુ અલગ જણાય છે. કાર જેવી હોવાનો અર્થ એ છે કે એ હાલના રસ્તા અને ફ્રીવે તેમ જ પાર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સહેલાઈથી ઉપયોગ કરી શકે છે.
કૅલિફૉર્નિયાના સૅન મૅટિયોમાં આવેલી આ કંપનીએ જણાવ્યું કે એ ૨૦૨૫માં મૉડલ ‘એ’ના ઉત્પાદનને વેચાણ માટે મૂકશે અને એની કિંમત અંદાજે ૩ લાખ ડૉલર (લગભગ ૨.૪૭ કરોડ રૂપિયા) હશે. સ્ટાર્ટ-અપ પહેલેથી જ આ મૉડલના ઑર્ડર લઈ રહ્યું છે. વ્યાપક અભ્યાસ અને સિમ્યુલેશન પછી, કાર્યકારી પ્રોટોટાઇપનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની રોડ રેન્જ ૨૦૦ માઇલ અને ઍર રેન્જ ૧૧૦ માઇલ હોવાનો અંદાજ છે.
એક અથવા બે પૅસેન્જર ધરાવતી કૉકપિટ બબલ-ટૉપ ક્રાફ્ટ હેઠળ છે. કૉકપિટ સિવાયના કારની બૉડીની નીચેના હિસ્સામાં મોટા ભાગની હવા છે. દુનિયામાં અત્યારે અનેક કંપનીઓ ફ્લાઇંગ કાર્સને ડિઝાઇન કરી રહી છે કે પછી ઉત્પાદનના તબક્કામાં છે.