30 August, 2024 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્દોરમાં એક પરિવાર રાતે આરામથી સૂઈ રહ્યો હતો. અડધી રાતે બાથરૂમમાંથી જાતજાતનો અવાજ આવતાં સૌ સફાળા જાગ્યા અને જોયું તો પરસેવો છૂટી ગયો. બાથરૂમમાં બે સાપ અને મરેલા ઉંદર પડ્યા હતા. બાથરૂમમાં કોબ્રા કરતાં પણ અતિશય ઝેરી કરૈત સાપ હતો. તેણે ઉંદરને કોળિયો બનાવ્યા પછી બહાર ફેંકી દીધો હતો અને બીજા એક સાપને આખેઆખો ગળી ગયો હતો. પરિવારે હાંફળાફાંફળા થઈને સ્નેક-કૅચરને બોલાવવો પડ્યો હતો.
ધીરજનાં ફળ મીઠાં હોય છે પરંતુ છત્તીસગઢના કાંકેર ગામના લોકોને રાહ જોવાથી કોઈ લાભ ન થયો, કારણ કે એ લોકો પુલ બનાવવા માટે સરકારની રાહ જોઈ રહ્યા હતા. પરવી ગામને મંઘર્રા નાળું મુખ્ય માર્ગ સાથે જોડે છે. પુલ ન હોવાથી લોકોએ ૪૫ કિલોમીટર ફરીને જવું પડતું હતું. ગામના લોકોએ છેક ૨૦૦૮માં એ સમયના મુખ્ય પ્રધાન ડૉ. રમણ સિંહને પુલ બનાવવા વિનંતી કરી હતી અને આશ્વાસન પણ અપાયું હતું. કૉન્ગ્રેસ સરકારના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે તો જાહેરાત કરી દીધી હતી, પણ પુલ ન જ બન્યો. ૧૫ વર્ષ સુધી સરકારની રાહ જોઈ-જોઈને ગામના લોકો કંટાળ્યા એટલે ખડકા, ભુરકા અને જલહુર ગામના લોકો ભેગા થયા અને તેમણે જાતે જ પુલ બનાવવાનું નક્કી કર્યું. વાંસ અને લાકડાંની મદદથી ગામના લોકોએ બે મહિનામાં કાચો પુલ તૈયાર કરી લીધો હતો.
સાઉથ અમેરિકન દેશ ઇક્વાડોરની રાજધાની ક્વીટોની ભાગોળે આવેલા મિન્ડો પહાડી વિસ્તારમાં એક પ્રાઇવેટ નેચર રિઝર્વ છે. હમિંગબર્ડ નામના વિશ્વના સૌથી ટચૂકડા પંખી જેવાં અલભ્ય અને દુર્લભ પ્રજાતિનાં પંખીઓ માટેનું અભયારણ્ય છે. પર્યાવરણવિદો અહીં પંખીઓના સંવર્ધન અને જતન માટે જાગૃતિ લાવવા જાતજાતની પ્રવૃત્તિઓ કરાવે છે. એમાં એક છે મોંમાં દાણાનું બૉક્સ લઈને પંખીઓને ખવડાવવું. એક વિઝિટરના મોઢામાં ભરાવેલી દાબડીમાંથી પંખી દાણા ચણવા આવે છે.
ગુજરાતીઓની જેમ ચીનની પ્રજા પણ વેપારી છે. જગ્યા મળે કે ન મળે, વેપાર કરવા માટે મગજ હોવું જોઈએ. ચીનના હરતીફરતી ફૂટવેઅર શૉપ ચલાવતા યુવાનનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. આ યુવાને હરતીફરતી દુકાનનો જબરો જુગાડ કર્યો છે. સ્કૂટરની પાછળ લાંબું કન્ટેનર જોડી દીધું છે અને એમાં જાતજાતનાં જૂતાં ગોઠવી દીધાં છે. રસ્તાની બાજુએ સ્કૂટર ઊભું રાખી કન્ટેનર ખોલી નાખે છે અને ગ્રાહકોને આવકારવા માટે લાલ જાજમ પાથરી દે છે. બેસવા માટે નાની ખુરસી પણ મૂકે છે.
સાઉથ કોરિયાના રસ્તા અને ટ્રાફિક સિસ્ટમ બહુ ફેમસ છે, પણ વરસાદની સીઝન પછી ત્યાંય અચાનક જમીનમાં ભૂવા પડી જાય છે. ગુરુવારે ભરબપોરે એક લક્ઝુરિયસ કાર એમ જ રસ્તા પર ધીમે-ધીમે દોડી રહી હતી ત્યારે અચાનક રસ્તો ફાટતાં કાર ભૂવામાં ગરક થઈ ગઈ હતી.