ઍર ટ્રાફિક કન્ટ્રોલરને ઊંઘ આવી જવાથી ૧૮ મિનિટ સુધી હવામાં ચક્કર મારતું રહ્યું પ્લેન

20 September, 2025 01:47 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના પૅરિસથી કૉર્સિકા ટાપુ પર આવેલા અજેસિયો શહેર જઈ રહેલી ફ્લાઇટ જસ્ટ લૅન્ડ થવાની હતી, પરંતુ ઍર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી સિગ્નલ મળ્યું જ નહીં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઍરપોર્ટ પર કામ કરતા દરેક કર્મચારીની જવાબદારી ખૂબ જ મહત્ત્વની હોય છે. નાનીઅમથી લાપરવાહી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ફ્રાન્સના કૉર્સિકામાં એક કર્મચારીની બેજવાબદારીને કારણે સેંકડો પ્રવાસીઓના જીવ હવામાં લટકી ગયા હતા. ફ્રાન્સના પૅરિસથી કૉર્સિકા ટાપુ પર આવેલા અજેસિયો શહેર જઈ રહેલી ફ્લાઇટ જસ્ટ લૅન્ડ થવાની હતી, પરંતુ ઍર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી સિગ્નલ મળ્યું જ નહીં. લગભગ ૧૮ મિનિટ સુધી સિગ્નલની રાહમાં પ્લેને દરિયા પર ચક્કર માર્યાં કર્યાં. વાત એમ હતી કે અજેસિયોના નેપોલિયન બોનાપાર્ટ ઍરપોર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલમાં જેની ડ્યુટી હતી તે વ્યક્તિ ઊંઘી ગઈ હતી. મંગળવારે અડધી રાતે ઍરબસ A320ના પાઇલટે ઍર કન્ટ્રોલર પાસે લૅન્ડિંગની પરવાનગી માગી, પણ કોઈ જવાબ ન મળ્યો. ઍરપોર્ટ નાનું હોવાથી રનવેની લાઇટો પણ બંધ હતી. એવામાં લૅન્ડિંગ કરાવવું મુશ્કેલ હોવાથી પાઇલટે પ્લેનને સમુદ્રનાં ચક્કર મરાવ્યાં. રનવે માત્ર ૨૪૦૦ મીટરનો હોવાથી લાઇટ વિના લૅન્ડિંગ કરાવવું જોખમી હતું. આખરે પાઇલટે બીજા શહેર તરફ પ્લેન લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે ટ્રાફિક કન્ટ્રોલરની ઊંઘ ઊડી એટલે સંપર્ક થતાં રનવેની લાઇટ કરીને સફળ લૅન્ડિંગ શક્ય બન્યું હતું.

france paris offbeat news international news news