ભારતીય ધનિકોની યાદીમાં કઈ રાશિના લોકોની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો એ જાણો છો?

31 August, 2024 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંહ રાશિના ધનિકોમાં ૬૮ ટકાનો વધારો થયો છે

પ્રતીકાત્મક તસવીર

પૈસા અને સંપત્તિ એ મહેનતની સાથે નસીબની પણ વાત છે. તાજેતરમાં જાહેર થયેલા હુરુન ઇન્ડિયાના ૨૦૨૪ના ધનિકોની યાદીનું વિશ્લેષણ કરીએ તો કઈ રાશિના લોકોનું આ યાદીમાં પ્રભુત્વ રહ્યું છે એ સમજાય એમ છે. આ લિસ્ટ મુજબ કર્ક, મિથુન અને સિંહ રાશિના લોકોનો આ યાદીમાં દબદબો રહ્યો છે.

હુરુન ઇન્ડિયાના ધનિકોની યાદી મુજબ આ વર્ષ કર્ક રાશિનાં જાતકો માટે બેસ્ટ હતું. એ પછી વારો આવે છે મિથુન અને સિંહ રાશિના લોકોનો. કર્ક રાશિના ધનિકોની સંપત્તિમાં સરેરાશ ૮૪ ટકા જેટલો વધારો થયો છે, જ્યારે મિથુન રાશિના ધનિકોમાં ૭૭ ટકાનો અને સિંહ રાશિના ધનિકોમાં ૬૮ ટકાનો વધારો થયો છે. ધન રાશિના ધનિકોમાં ૬૪ ટકા અને તુલા રાશિના ધનિકોમાં ૬૧ ટકા, મકર રાશિના લોકોમાં ૫૮ ટકા અને મીન રાશિના લોકોમાં ૪૬ ટકા સંપત્તિનો વધારો થયો છે. કુંભ અને કન્યા રાશિ આઠમા ક્રમે ૩૯ ટકા વધારા સાથે છે. સૌથી ઓછો સંપત્તિવધારો મેષ, વૃશ્ચિક અને વૃષભ રાશિમાં થયો છે જે ક્રમશઃ ૩૪, ૩૩ અને ૩૨ ટકા જેટલો છે.

ભારતમાં સૌથી વધુ અબજોપતિઓ મુંબઈમાં બૅન્ગલોરને પછાડીને હૈદરાબાદ ત્રીજા નંબરે

હુરુન ઇન્ડિયાની ૨૦૨૪ની અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં ૩૮૬ અબજોપતિ છે. બીજા નંબરે ૨૧૭ અબજોપતિ સાથે ન્યુ દિલ્હી બીજા નંબરે છે. અત્યાર સુધી ત્રીજા નંબરે બૅન્ગલોર શહેર આવતું હતું, પરંતુ છેલ્લા એક વર્ષમાં ૧૭ અબજોપતિ ભારતનાં બીજાં શહેરોમાંથી હૈદરાબાદમાં શિફ્ટ થયા છે એને કારણે હૈદરાબાદ ૧૦૪ અબજોપતિ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

offbeat news international news world news