03 January, 2026 03:18 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દર વર્ષે નવા વર્ષના સ્વાગતમાં આકાશમાં ફટાકડા ફોડવાની પ્રથા હવે નેક્સ્ટ લેવલ પર જઈ રહી છે. નવા વર્ષની સાથે એક-બે કે દસ-બાર મિનિટ માટે નહીં, અબુ ધાબીમાં પૂરી ૬૨ મિનિટ સુધી આકાશ આતશબાજીથી ચમકતું રહ્યું હતું. મતલબ કે નવું વર્ષ બેઠું એના પહેલા એક કલાકથીયે વધુ સમય સુધી સતત અબુ ધાબીના આકાશમાં રંગબેરંગી ફટાકડાઓના ફુવારા અલગ-અલગ ફૉર્મેશન બનાવતા રહ્યા. ત્યાં હાજર લોકો આતશબાજી જોઈને થાકી જાય ત્યાં સુધી આ શો ચાલતો રહ્યો. આ ફાયરવર્ક્સની સાથે ૬૫૦૦થી વધુ ડ્રોન્સ દ્વારા સિન્ક્રોનાઇઝ્ડ ડ્રોન-શો પણ યોજાયો હતો. એમાં જાણે એક કલાકની ફિલ્મ ચાલી રહી હોય એમ ડ્રોનથી વિવિધ દૃશ્યો રચાયાં હતાં. ટેક્નૉલૉજી, અને કોરિયોગ્રાફીને ગ્રૅન્ડ સ્કેલ પર ભેળવીને તૈયાર થયેલા ડ્રોન-શોથી ૨૦૨૬ના સ્વાગતનો પહેલો એક કલાક આતશબાજીથી ચમકી ઊઠ્યો હતો. આ શોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં લૉન્ગેસ્ટ ફાયરવર્ક્સનું સ્થાન મળ્યું હતું.