વિશાળકાય પેલિકનને ભગાડ્યું ટચૂકડા નીડર પેરેગ્રિન ફાલ્કને

12 March, 2023 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાનકડા ફાલ્કને એના બચ્ચાની રક્ષા કરવા માટે વિશાળકાય પેલિકનનો નીડરતાથી સામનો કર્યો હતો જે ખરેખર સરાહનીય છે

વિશાળકાય પેલિકનને ભગાડ્યું ટચૂકડા નીડર પેરેગ્રિન ફાલ્કને

પોતાનાં બચ્ચાંઓની વાત આવે ત્યારે માનવી હોય કે પશુ-પક્ષી, બધાં જ જીવ પર આવીને બાળકોનો બચાવ કરતાં હોય છે. કૅલિફૉર્નિયાના પૅસિફિક કાંઠે આવેલા શહેર સૅન ડીએગોમાં ૫૪ વર્ષના એક પોસ્ટમૅન નોમુરાએ એક પેલિકનને પેરેગ્રિન ફાલ્કનના માળાની નજીક ઊડતું જોયું. જોકે એ માળાથી ઘણું દૂર હતું અને એના માળામાં રહેલા બચ્ચાને ઈજા પહોંચાડવાનો ઇરાદો પણ લાગતો નહોતો, પરંતુ સચેત માતાએ તરત જ પેલિકન પર હુમલો કરીને એને ભગાવી દીધું હતું.

આ દૃશ્ય જોવા મળતાં પોતાને ભાગ્યશાળી ગણાવતાં નોમુ​રાએ કહ્યું કે ‘સામાન્ય રીતે આ દૃશ્ય મે મહિનામાં જોવા મળે છે, જ્યારે ફાલ્કન એના માળાની આસપાસ પહેરો દેતું હોય છે અને તેમના બચ્ચા પર ભય જેવું લાગે તો તે બચાવમાં સામે હુમલો કરી દે છે. આ ઘટનામાં બન્ને પક્ષીઓ વચ્ચેની લડાઈ લાંબી ચાલવા પાછળનું મુખ્ય કારણ એક નાનકડા પક્ષીએ પોતાને માળાથી દૂર ભગાવ્યો એ વાતથી પેલિકનનો અહમ્ ઘવાયો એ જ હોઈ શકે છે.

નાનકડા ફાલ્કને એના બચ્ચાની રક્ષા કરવા માટે વિશાળકાય પેલિકનનો નીડરતાથી સામનો કર્યો હતો જે ખરેખર સરાહનીય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર મુજબ પેરેગ્રિન ફાલ્કન સૅન ડીએગો કાઉન્ટીના સૌથી દુર્લભ સંવર્ધન પક્ષીઓમાંનું એક છે. હાલમાં એની વસ્તી માત્ર ૧૫ જોડી છે. ડીડીટી જેવા જંતુનાશકોના વ્યાપક ઉપયોગને પગલે ૧૯૪૦ પછીથી પેરેગ્રિન્સની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે. 

offbeat news