છત્રપતિ સંભાજી મહારાજના અવતારમાં ઘોડે ચડીને વાજતેગાજતે છાવા જોવા પહોંચ્યો એક ચાહક

19 February, 2025 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થિયેટરમાં ફિલ્મ જોવા આવનારા અન્ય લોકોએ આ ફૅન-એન્ટ્રીનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે જે ઘણો વાઇરલ થયો છે

નાગપુરના થિયેટરમાં એક ચાહક પોતે છત્રપતિ સંભાજી મહારાજ જેવો અવતાર ધારણ કરીને આવ્યો હતો

છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ જોવા માટે નાગપુરના થિયેટરમાં એક ચાહક પોતે છત્રપતિ સંભાજી મહારાજ જેવો અવતાર ધારણ કરીને આવ્યો હતો. માથે જિરેટોપ તરીકે ઓળખાતી પાઘડી, ગળામાં માળા, કાનમાં બુટ્ટી, ફૂલોનો હાર પહેરીને; ત્રિપુંડનું તિલક કરીને; હાથમાં તલવાર લઈને; ઘોડા પર બેસીને; ઢોલ-તાશા વગાડીને વાજતેગાજતે તે થિયેટરમાં અંદર સુધી ઘોડા પર પહોંચ્યો હતો. તેણે ફિલ્મ-સ્ક્રીનની આગળ ઊભા રહીને ‘હર હર મહાદેવ’ ‘જય ભવાની’  ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’, ‘છત્રપતિ સંભાજી મહારાજ કી જય’ જેવા પોકાર કર્યા હતા અને એ જ ગેટઅપમાં બેસીને આખી ફિલ્મ જોઈ હતી. થિયેટરમાં ફિલ્મ જોવા આવનારા અન્ય લોકોએ આ ફૅન-એન્ટ્રીનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે જે ઘણો વાઇરલ થયો છે. સંભાજી મહારાજનું પાત્ર આબેહૂબ નિભાવનાર વિકી કૌશલે પણ ખુશ થઈને ફૅનનો આભાર માનતાં આ વિડિયો શૅર કર્યો છે.

nagpur vicky kaushal viral videos news offbeat news social media