ચીનાઓએ તો ડુપ્લિકેટ ડોનલ્ડ ટ્રમ્પ પણ ઊભા કરી દીધા

12 January, 2026 11:02 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

રાયનનું કહેવું છે કે ‘ટ્રમ્પ એક એવો કૂવો છે જે ક્યારેય સુકાઈ શકે એમ નથી. પૃથ્વી પર આમ જુઓ તો આજે ઑનલાઇન ટ્રમ્પના નામથી સૌથી વધારે ટ્રાફિક ખેંચાય છે.

રાયન ચેન

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સિગ્નેચર પોઝમાં હાથ ઉલાળીને તેમના અવાજ અને હાવભાવની એકદમ ડિટ્ટો કૉપી કરતો એક ચાઇનીઝ ઇન્ફ્લુએન્સર ચીનમાં છવાઈ ગયો છે. રાયન ચેન નામના આ ઇન્ફ્લુએન્સરને ઑનલાઇન નવી કરીઅરનો રસ્તો મળી ગયો છે. સાઉથ-વેસ્ટ ચીનના ચૉન્ગકિન્ગના વતની ૪૨ વર્ષના રાયનને આમ તો પૉલિટિકલ સૅટાયરમાં રસ નથી (જે આમ તો ચીનમાં અકાઉન્ટ સસ્પેન્શન પણ કરાવી શકે છે). જોકે પૉલિટિકલી કંઈ કર્યા વગર પણ રાયને ડોનલ્ડ ટ્રમ્પની કૉપી કરીને ઇન્સ્ટાગ્રામ, ટિક ટૉક અને ચીનનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર લાખો ફૉલોઅર્સ મેળવ્યા છે.

રાયનના વિડિયો ચાઇનીઝ સબટાઇટલ સાથે અંગ્રેજીમાં હોય છે. ચાઇનીઝ ક્વિઝીન, રિવાજો અને સંસ્કૃતિને પણ તે પોતાના વિડિયોમાં દર્શાવે છે. રાયનની મોટા ભાગની ક્લિપ્સમાં ડોનલ્ડ ટ્રમ્પની બૉડી-લૅન્ગ્વેજની કૉપી જોવા મળે છે. સાથે-સાથે ‘ટ્રિમેન્ડસ’ અને ‘અમેઝિંગ’ જેવા ટ્રમ્પ દ્વારા વારંવાર વપરાતા શબ્દો પણ રાયન ટ્રમ્પની જ સ્ટાઇલમાં બોલે છે. વિડિયોના અંતે ટ્રમ્પની જેમ ખભા અને હાથ ઉલાળીને ઊભા-ઊભા તે ડાન્સ પણ કરે છે. આ બધાં કારણોને લીધે પૉલિટિક્સ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેના વિડિયો પૉપ્યુલર થઈ રહ્યા છે એટલું જ નહીં, એ કંપનીઓના પ્રમોશનલ વિડિયો ‘ટ્રમ્પ-સ્ટાઇલ’માં કરીને સારીએવી આવક પણ મેળવી રહ્યો છે.

રાયનનું કહેવું છે કે ‘ટ્રમ્પ એક એવો કૂવો છે જે ક્યારેય સુકાઈ શકે એમ નથી. પૃથ્વી પર આમ જુઓ તો આજે ઑનલાઇન ટ્રમ્પના નામથી સૌથી વધારે ટ્રાફિક ખેંચાય છે. મને રાજકારણમાં રસ નથી, પણ મારું માનવું છે કે ટ્રમ્પ ખૂબ સારા એન્ટરટેઇનર છે. હું તેમની નકલ કરું છું પણ મજાક ઉડાવવા માટે નહીં, માત્ર અટેન્શન મેળવવા માટે. આ અટેન્શનને કારણે હું મારી કરીઅર બનાવી શકું છું અને મારા વતનને પ્રમોટ પણ કરી શકું છું.’

offbeat news china international news world news donald trump social media life masala