મૉસ્કોમાં સગર્ભા માતાને વાગેલી ગોળી નવજાત બાળકીના પેટમાંથી કાઢવામાં આવી

01 August, 2024 10:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તબીબોએ તાત્કાલિક તેના પેટની ઉપરના ભાગમાં ફસાયેલો છરો સર્જરી કરીને કાઢી લીધો હતો

છરો ભૂલથી સગર્ભા પત્નીના પેટમાં ઘૂસી ગયો hતો

મૉસ્કોમાં એક ઘટનાએ ભારે કુતૂહલ સરજ્યું છે. પતિએ ઍર રાઇફલથી કરેલા ગોળીબારમાં છરો ભૂલથી સગર્ભા પત્નીના પેટમાં ઘૂસી ગયો અને જાણે કશું જ ન બન્યું હોય એમ મહિના પછી બાળકી એ છરા સાથે જન્મી અને ડૉક્ટરોએ તેના પેટમાંથી એક સે​ન્ટિમીટર લાંબો અને અડધો સેન્ટિમીટર પહોળો છરો કાઢી નાખ્યો. આ તો એવું થયું કે માના પેટમાંથી કોઈ શીખીને નથી આવતું, પણ આ બાળકી માના પેટમાંથી ગોળી લઈને બહાર આવી. બંદૂકની ગોળી ગર્ભસ્થ શિશુના પેટમાં એક મહિના સુધી રહી હોય એવો વિશ્વનો એકમાત્ર કિસ્સો હોવાનું કહેવાય છે. પત્નીને પેટમાં ગોળી વાગી ત્યારે તાબડતોબ હૉસ્પિટલ દોડ્યા, પરંતુ ડૉક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ કરીને જોયું તો માતા અને બાળક, બન્નેને આ ગોળીથી કોઈ નુકસાન થાય એમ નહોતું અને તાકીદનું ઑપરેશન કરવાની પણ જરૂર ન જણાતાં ડૉક્ટરોને એ સમયે છરો કાઢવાનું યોગ્ય ન લાગ્યું અને બાળકના જન્મની રાહ જોવાનું નક્કી કર્યું. મહિના પછી બાળકીએ જન્મ લીધો. તબીબોએ તાત્કાલિક તેના પેટની ઉપરના ભાગમાં ફસાયેલો છરો સર્જરી કરીને કાઢી લીધો હતો. આશ્ચર્યજનક રીતે નવજાત બાળકીને કોઈ જ નુકસાન થયું નહોતું.

offbeat news moscow international news world news