17 March, 2026 12:55 PM IST | Macau | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મકાઉની પોલીસે થોડા દિવસ પહેલાં એક રોબોની ધરપકડ કરી હતી. એક હ્યુમનૉઇડ રોબો રોડ પર ફરતો હતો. જોકે તે એક મહિલાની નજીક જતો રહ્યો. ૭૦ વર્ષનાં મહિલા ફુટપાથ પર ઊભાં-ઊભાં ફોનમાં કંઈક ખોળી રહ્યાં હતાં અને એ જ વખતે રોબો તેમની પાછળ જઈને ઊભો રહી ગયો. મશીનનો ખટખટ અવાજ થતાં મહિલાએ પીઠ ફેરવી તો રોબો એટલી નજીક ઊભો હતો કે પેલાં દાદી ગભરાઈ ગયાં. રોબોને નજીક જોઈને દાદી એટલાં ગભરાઈ ગયાં કે ઢળી પડ્યાં. તેમને તરત હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. એવામાં પોલીસ આવીને રોડ પર રખડતા રોબોને પકડીને લઈ ગઈ હતી જેથી રસ્તા પર બીજા કોઈની સાથે આવો હાદસો ન થાય. આ રોબો એક એજ્યુકેશનલ સેન્ટરના પ્રમોશન માટે બહાર નીકળ્યો હતો. એને રિમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતો હતો જેની જાણ કદાચ પોલીસને પણ નહોતી. પોલીસને જ્યારે ખબર પડી કે રોબો એજ્યુકેશન પ્રમોશન માટે બહાર ફરે છે ત્યારે એણે રોબોને રિમોટથી ચલાવનારા લોકોને ચેતવણી આપી હતી કે હવે પછી આમ જનતાને નુકસાન થાય એ રીતે રોબોને બહાર કાઢવામાં ન આવે. સૂચના આપીને રોબોને છોડી મૂકવામાં આવ્યો હતો.