25 October, 2024 02:39 PM IST | China | Gujarati Mid-day Correspondent
લી ગુઇફેંગ
ચીનના ઝેજિયાંગનાં ૯૨ વર્ષનાં લી ગુઇફેંગ દીકરા વાંગના મિત્રનાં લગ્નમાં કઝાકિસ્તાન ગયાં હતાં. ત્યાં શૂટિંગ-રેન્જ જોઈને તેમને પણ હાથ અજમાવવાની ઇચ્છા થઈ, પણ ૯૨ વર્ષની ઉંમરને કારણે રેન્જના કર્મચારીઓ થોડા ખચકાયા, પણ લી ચીની પીપલ્સ વૉલન્ટિયર આર્મી (CPVA)નાં ભૂતપૂર્વ સૈનિક છે એ વાતની ખબર પડી એટલે શૂટિંગ માટે તેમને મંજૂરી આપી. પાછું, મોતિયાને કારણે લીને જમણી આંખે દેખાતું નહોતું એટલે ડાબી, એક જ આંખથી નિશાન તાકવાનું હતું. તેમણે નાના બોરની રાઇફલથી એક રાઉન્ડમાં ૧૦-રિંગ ટાર્ગેટની ઇનર રિંગમાં ૭ શૉટ અને આઉટર રિંગમાં ૩ શૉટ માર્યા તથા ૯૭ માર્ક મેળવ્યા તેમ જ બીજા રાઉન્ડમાં ૮૭ માર્ક મેળવ્યા હતા. લી ૧૯૫૦માં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના ઘર્ષણ ટાણે CPVAમાં સિગ્નલર તરીકે કામ કરતાં હતાં. તેમણે યુદ્ધના મોરચે કામ નહોતું કર્યું, પરંતુ સૈન્યના અભ્યાસમાં શૂટિંગની તાલીમ લીધી હતી એ તેમને ૯૨ વર્ષે પણ યાદ હતી.