19 September, 2026 01:46 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકામાં ૯ વર્ષના માઇક નામના બાળકે પોતાની યુટ્યુબ ચૅનલ પર વ્યુઝ વધારવાની લાયમાં પપ્પાના કૉર્પોરેટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક વાર નહીં, અનેક વાર કરી લીધો અને કુલ ૧,૧૮,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. માઇકે માઇક્રાફ્ટ અને રોબ્લોક્સ નામની ગેમના વિડિયો અપલોડ કર્યા હતા. શરૂઆતમાં આ વિડિયોઝને વ્યુઝ ન મળતાં તેના ફાધર ડેવે યુટ્યુબ ઍડ્સ આપીને કઈ રીતે પેઇડ કૅમ્પેઇન ચલાવવું એ શીખવ્યું હતું. જોકે ડેવભાઈ દીકરાને ઍડ્વર્ટાઇઝમેન્ટમાં બજેટિંગ રાખવું જોઈએ એ સમજાવવાનું ભૂલી ગયા એટલું જ નહીં, તેમના ક્રેડિટ કાર્ડની વિગતો પણ એમાં સેવ કરેલી રાખી હતી. માઇકને એક વાર ઍડ્સમાંથી વ્યુઝ મેળવવાનો રસ્તો મળતાં તેણે સતત ૩ વીક સુધી ઍડ્સ વાપર્યા જ કરી. તેને હતું કે વધુ જાહેરાત આપવાથી વધુ લોકો વિડિયો જોશે, પણ એનું લૉજિક કામ ન લાગ્યું. ૩ અઠવાડિયાં પછી જ્યારે ડેવને મસમોટું ક્રેડિટ કાર્ડનું બિલ મળ્યું ત્યારે તેણે પહેલાં તો કંપનીની ફાઇનૅન્સ ટીમને બોલાવીને હિસાબ માગ્યો. એ હિસાબમાં ખબર પડી કે કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ પોતાના જ દીકરાએ યુટ્યુબ પાછળ કરી નાખ્યો છે. ડેવને ચિંતા છે કે આ પૈસા કંપનીને તેણે ચૂકવવા પડશે અને જો એ નહીં ચૂકવે તો તેની નોકરી જોખમમાં મુકાશે.