બર્ડ-વૉચિંગનો લુત્ફ ઉઠાવવો હોય તો ૮૦૦૦થી વધુ વિદેશી પંખીઓની સવારી આવી છે નવસારીમાં

27 December, 2023 11:19 AM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે ગુજરાતના નડાબેટમાં જ યાયાવર પંખીઓની આવનજાવન વિશેની વાતો ચર્ચામાં આવે છે, પરંતુ નવસારીની આસપાસના ૧૨ એવા વિસ્તારો છે જ્યાં વિદેશી પંખીઓનાં ધાડેધાડાં ઊમટી આવે છે.

પ્રતીકાત્મક તસવીર

શિયાળાના ચાર મહિના દરમ્યાન ગુજરાતમાં અસંખ્ય યાયાવર પંખીઓ આવીને વસતાં હોય છે, કેમ કે રશિયા અને ચીન જેવા દેશોમાં જે માઇનસ ડિગ્રી તાપમાન હોય છે એ પંખીઓ જીરવી શકતાં ન હોવાથી ઠંડી શરૂ થતાં જ તેઓ દિવસના સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને ભારતના સમશીતોષ્ણ વાતાવરણની મજા માણવા આવી પહોંચે છે. માર્ચની શરૂઆત થતાં ગરમીનું પ્રમાણ વધે એટલે આ પંખીઓ એના કબીલા સાથે વતન પાછાં જવા પ્રયાણ આદરી દે છે. 

મોટા ભાગે ગુજરાતના નડાબેટમાં જ યાયાવર પંખીઓની આવનજાવન વિશેની વાતો ચર્ચામાં આવે છે, પરંતુ નવસારીની આસપાસના ૧૨ એવા વિસ્તારો છે જ્યાં વિદેશી પંખીઓનાં ધાડેધાડાં ઊમટી આવે છે. પ્રાથમિક તબક્કાની ગણતરી થોડા દિવસ પહેલાં જ યોજાઈ હતી, જેમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા કૉલેજ ઑફ ફૉરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ અને એનજીઓ દ્વારા મળીને કુલ ૧૩૦ જેટલા લોકોએ પક્ષીગણતરીમાં ભાગ લીધો હતો, જેમાં કુલ ૧૬૬ જેટલી પક્ષીની પ્રજાતિ તથા આશરે ૮૦૦૦ આસપાસ પક્ષી જોવા મળ્યાં હતાં. 

પક્ષીગણતરી દરમ્યાન વિદ્યાર્થીઓને સારસ ક્રેન જોવા મળ્યાં હતાં.  આ ઉપરાંત કાળો શાહીન (Peregrine falcon) -Fastest bird, રાખોડી કારચિયા- (Common pochard), બાહ્મણી બતક (Ruddy shelduck), સળીપૂંછ ગારાખોદ (Pintail Snipe), પરદેશી સંસાગર (Booted Eagle), ગુલાબી ચકલી (Common Rosefinch) જેવાં પંખીઓ પણ છે. કુંજ, કુતુલ, કરણ, ભગવી, સુરપાળ જેવાં પંખીઓ વહેલી સવારે જ ફેલાઈ જતાં હોવાથી સૂર્યોદયના સમયે જ પંખી ગણતરી શરૂ કરવામાં આવી હતી. 
નવસારી ઉપરાંત જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સોમનાથ જિલ્લાઓમાં પણ પક્ષી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. 

offbeat videos offbeat news social media navsari