25 December, 2023 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલ્પ્સના પહાડો પર બે જર્મન હાઇકર્સને મળ્યો એક મૃતદેહ
સામાન્ય રીત મમી શબ્દ સાંભળતાં જ ધ્યાનમાં ઇજિપ્ત આવી જાય છે અને આજે પણ ઇજિપ્તમાં ખોદકામ કરવા દરમ્યાન મમી મળી આવે છે, જેનાથી ઘણાં રહસ્ય પરથી પડદા ઊઠ્યા છે. એટલા માટે જ ઇજિપ્તને રહસ્યનો ખજાનો કહેવાય છે. શું તમે જાણો છો કે માત્ર ઇજિપ્તમાં જ મમી નથી મળતાં, પહાડોમાં પણ મમી મળી આવે છે. આ પહેલા ઑસ્ટ્રિયા અને ઇટલી વચ્ચે આલ્પ્સના પર્વતોમાં એક મમી મળી આવ્યું હતું, જે આજે પણ ચર્ચાનો વિષય છે. સોશ્યલ મીડિયા એક્સ પર વાઇરલ થયેલી એક પોસ્ટની કૅપ્શનમાં આ માહિતી અપાઈ હતી એ મુજબ આલ્પ્સના પહાડો પર બે જર્મન હાઇકર્સને એક મૃતદેહ મળ્યો હતો. ફોટોમાં જોઈ શકાય છે કે આખું શરીર બરફમાં ફસાયેલું હતું અને માથું તેમ જ ખભાનો ભાગ બહાર તરફ નીકળી રહ્યો હતો. જર્મન હાઇકર્સને લાગ્યું કે કોઈ પર્વતારોહકનો મૃતદેહ હશે એટલે તેણે સ્થાનિક અધિકારીને જાણ કરી. જોકે મેડિકલ ચેકઅપમાં દૃશ્ય કંઈક અલગ તરી આવ્યું, જેનાથી તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. કારણ કે આ કોઈ પર્વતારોહક નહીં, પણ ૫૦૦૦ વર્ષ કરતાં જૂનું મમી હતું. વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે આ ૫૩૦૦ વર્ષ જૂનું મમી છે અને એ યુગને કોપર યુગ તરીકે ઓળખવામાં આવે છે.