મજૂરી કરતા હાથ કપાઈ જવાથી માલિકે તરછોડી દીધો:૧૫ વર્ષનો કિશોર ૧૫૦ કિલોમીટર ચાલ્યો

02 August, 2025 11:34 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

બંધુઆ મજૂરી કરતી વખતે હાથ કપાઈ જવાથી માલિકે તરછોડી દીધો: ૧૫ વર્ષનો કિશોર કપાયેલા હાથ સાથે ૧૫૦ કિલોમીટર ચાલ્યો

પ્રતીકાત્મક તસવીર

હરિયાણાના જીંદમાં એક ડેરી ફાર્મમાં કેટલાક કિશોરોને બંધુઆ મજૂરી કરાવવા માટે એક રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. એમાંથી બિહારના ૧૫ વર્ષના કિશોરને સરકારી સ્કૂલના બે ટીચર અને એક પોલીસ અધિકારી દ્વારા બચાવવામાં આવ્યો હતો. મંગળવારે સવારે બે ટીચરને એક છોકરો માત્ર અન્ડરવેઅર પહેરીને અથડાતો-કુટાતો માંડ ડગલાં માંડી રહ્યો હોય એવી હાલતમાં જોવા મળ્યો હતો. તે અડધો બેભાન થઈ ચૂક્યો હતો અને કેટલાય દિવસથી તેણે કંઈ ખાધું પણ ન હોય એવું લાગતું હતું. તેનો ડાબો હાથ કોણીથી અલગ થઈ ગયો હતો અને એના પર એક કપડું બાંધેલું હતું. તે લગભગ એ કપાયેલા હાથે ૧૫૦ કિલોમીટર જેટલું પગપાળા ચાલી ચૂક્યો હતો. તેને પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે બિહારના કિશનગંજમાં આવેલા તેના ઘરે જવા નીકળ્યો છે. તે ટીચર્સે પહેલાં તો તેને પોતાનું લંચ-બૉક્સ ખવડાવ્યું અને પછી તેને નજીકની પોલીસચોકી પર લઈ ગયા જેથી તેને તેના ઘર સુધ‌ી પહોંચાડી શકાય. પોલીસે તેની આ હાલત કઈ રીતે થઈ એની પૂછપરછ કરી તો ખબર પડી કે તે કામની શોધમાં હરિયાણા આવ્યો હતો. જીંદની એક વ્યક્તિએ તેને મહિને ૧૦,૦૦૦ રૂપિયાની નોકરીનો વાયદો કરીને અહીં બોલાવ્યો હતો. જોકે કામ આપવાને બદલે તેને એક રૂમમાં બંધ કરી દીધો. ન પૈસા આપ્યા, ન પૂરું ખાવાનું આપ્યું. તેણે રોજ મોટરથી ચાલતા ઘાસચારાનું કટિંગ મશીન ઑપરેટ કરવા માટે બહાર કાઢવામાં આવતો. એક વાર અશક્તિને કારણે ઘાસ કાપતી વખતે તેનો હાથ મશીનમાં આવી જતાં કોણીથી કપાઈ ગયો. નોકરી આપવાનો વાયદો કરનારા લોકો તેને સ્થાનિક ડિસ્પેન્સરીમાં લઈ ગયા અને હાથ પર કામચલાઉ પટ્ટી કરીને ઘેનનું ઇન્જેક્શન આપીને જતા રહ્યા. તે જ્યારે ઊઠ્યો ત્યારે તેના શરીર પર એકેય કપડું નહોતું રહ્યું. ડિસ્પેન્સરીવાળાએ તેને એ જ હાલતમાં કાઢી મૂકતાં તે પગપાળા જ બિહાર તરફનો રસ્સો પૂછતાં-પૂછતાં ચાલવા લાગ્યો હતો. સ્થાનિક પોલીસે બિહારના કિશનગંજની પોલીસનો સંપર્ક કરીને તેના પરિવારજનોનો સંપર્ક કરાવી આપ્યો હતો.

haryana chandigarh gujarati mid day news offbeat news