25 April, 2025 11:38 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરમાં ગઈ કાલે ઝીરો શૅડો ડે ઊજવાયો
બૅન્ગલોરમાં ગઈ કાલે ઝીરો શૅડો ડે ઊજવાયો હતો. સામાન્ય રીતે સૂરજ જેમ-જેમ ઊગે અને આથમે એમ-એમ સૂરજની વિરુદ્ધ દિશામાં જે-તે ચીજની આગળ-પાછળ કે સાઇડમાં પડછાયો પડતો હોય છે. ઝીરો શૅડો એટલે એવો સમય જ્યારે સૂરજ એકદમ માથા પર આવી જાય અને એને કારણે થોડી ક્ષણો માટે કોઈ ચીજનો પડછાયો જમીન પર પડે નહીં. કોઈ વ્યક્તિ કે ચીજ જ્યાં હોય એના પર બરાબર ૯૦ અંશના ખૂણે સૂરજનાં કિરણો પડતાં હોવાથી એનો આગળ-પાછળ પડછાયો દેખાય નહીં.
આવી ઘટના ગઈ કાલે બૅન્ગલોરમાં બપોરે ૧૨-૧૭ વાગ્યે જોવા મળી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સના સાયન્ટિસ્ટોના કહેવા અનુસાર જ્યારે સૂરજ એકદમ ઊંચે પહોંચી જાય છે ત્યારે શૅડો ન પડતો હોવાથી એને ઝીરો શૅડો ડે કહેવાય છે.
ભારતમાં આ ઘટના એ દરેક જગ્યાએ જોવા મળે છે જે કર્કરેખાથી દક્ષિણમાં આવેલી છે, જેમ કે બૅન્ગલોર, ચેન્નઈ અને મૅન્ગલોર જેવાં શહેરોમાં વર્ષમાં બે વાર ઝીરો શૅડો ડે હોય છે. બૅન્ગલોરમાં ૨૪ કે ૨૫ એપ્રિલ અને ૧૮ ઑગસ્ટની આસપાસ આ દિવસ હોય છે.
આ ખગોળીય ઘટનાનો નઝારો માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળે છે. જોકે અલગ-અલગ શહેરોમાં એનો સમય પણ અલગ-અલગ હોય છે. ચેન્નઈ અને ત્રિવેન્દ્રમમાં એ લાંબો સમય જોવા મળે છે, કેમ કે એ શહેર કર્કરેખાની સાથે ભૂમધ્ય રેખાની આસપાસના ક્ષેત્રમાં પણ આવે છે.
મુંબઈમાં આ ઘટના ૧૫ મે અને ૨૮ જુલાઈ એમ બે દિવસ જોવા મળશે.