YouTubeએ રણવીર અલાહાબાદિયાનો બીભત્સ વિડિયો ડિલીટ કર્યો

13 February, 2025 07:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત સરકારના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મંત્રાલયે નોટિસ મોકલવાની સાથે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પણ વિડિયો ડિલીટ કરવાની માગણી કરી હતી, જેને પગલે YouTube દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

રણવીર અલાહાબાદિયા

રણવીર અલાહાબાદિયાએ સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગઈ કાલે YouTubeએ રણવીરનો વિવાદાસ્પદ વિડિયો પોતાના પ્લૅટફૉર્મ પરથી ડિલીટ કરી દીધો હતો. ભારત સરકારના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મંત્રાલયે નોટિસ મોકલવાની સાથે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પણ વિડિયો ડિલીટ કરવાની માગણી કરી હતી, જેને પગલે YouTube દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ વિડિયોમાં રણવીરે એક સ્પર્ધકને પૂછ્યું હતું કે ‘શું તમે જીવનભર તમારાં મમ્મી-પપ્પાને સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે પછી એક વાર આ સેક્સમાં સામેલ થઈને એને હંમેશ માટે બંધ કરાવી દેશો?’
જ્યારે અપૂર્વા માખીજા તો આ શોમાં એવું ગંદું બોલી હતી કે એ અહીં પબ્લિશ કરી શકાય એવું નથી.

ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસે રણવીર અલાહાબાદિયાને ઘરે જઈને સમન્સ સોંપ્યા
રણવીર અલાહાબાદિયા સહિતના લોકો સામે સોમવારે દિલ્હી, આસામ અને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ગઈ કાલે બપોરે મુંબઈ પોલીસની ટીમ રણવીરના અંધેરીના વર્સોવામાં આવેલી હાઈ પ્રોફાઇલ બેવ્યુ સોસાયટીના ઘરે પહોંચી હતી. સૂત્રો મુજબ પોલીસે રણવીરના ઘરે જઈને તેને પોલીસ-સ્ટેશનમાં જઈ નિવેદન નોંધાવવા સંબંધે સમન્સ સોંપ્યા હતા. જોકે રણવીર અલાહાબાદિયાને ક્યારે પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો છે એ વિશે પોલીસે કંઈ નહોતું કહ્યું. ફરિયાદ નોંધ્યા બાદ હવે પોલીસે સમન્સ સોંપ્યા હોવાથી રણવીર અલાહાબાદિયાની મુશ્કેલી વધી શકે છે.

youtube Crime News social media social networking site national news