સ્વિગી, ઝૉમેટોના ચાર ડિલીવરી બૉયે ગુરુગ્રામમાં યુવતીનો બળાત્કાર કર્યો

04 October, 2020 02:55 PM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

સ્વિગી, ઝૉમેટોના ચાર ડિલીવરી બૉયે ગુરુગ્રામમાં યુવતીનો બળાત્કાર કર્યો

ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપનો કિસ્સો હજી તાજો જ છે ત્યાં હરિયાણાના ગુરુગ્રામમાં વધુ એક ગેંગરેપનો બનાવ બન્યો છે. સ્વિગી અને ઝૉમેટોના ચાર ડિલીવરી બૉય પર 32 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. ગેંગરેપ બાદ યુવતી સાથે મારઝૂડ કરવામાં આવી. મારઝૂડના કારણે પીડિતાના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તેને કારણે પીડિતાને સરકારી હૉસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. સફદરગંજ બાદ પરત ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં પીડિતાને દાખલ કરવામાં આવી છે. રાહતના સામાચાર એ છે કે, પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

ગુરુગ્રામ પોલીસે ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના નામ પંકજ, પવન, રંજન અને ગોવિંદા જણાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપી યુવક સ્વિગી અને ઝૉમેટોમાં ડિલીવરી બૉયનું કામ કરે છે. શહેરના પૉશ વિસ્તાર ડીએલએફ ફેઝ-2માં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-2માં એક પીજીમાં એક આરોપી પહેલાથી જ રહેતો હતો. જ્યાં આ યુવતીને લાવવામાં આવી અને ત્યારબાદ તેના ત્રણ દોસ્ત ત્યાં પહોંચ્યા અને યુવતીની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપી દીધો. યુવતીએ જ્યારે તેમનો વિરોધ કર્યો તો તેની સાથે મારઝૂડ કરવામાં આવી. આ મારઝૂડના કારણે યુવતીના માથા પર ગંભીર ઈજાઓ થઈ. યુવતીને રાત્રે લગભગ 2:30 વાગ્યે સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવી અને ત્યારબાદ દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલ રેફર કરવામાં આવી. પરંતુ બાદમાં ગુરુગ્રામ પોલીસે પરત પીડિતાને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ, ડીએલએફ ફેઝ 2ના સિક્યુરિટી ગાર્ડનો લગભગ 1:30 વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, યુવતીના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે અને ખૂબ લોહી વહી રહ્યું છે. પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિતાના હૉસ્પિટલમાં ખસેડી. પીડિતાની ફરિયાદના આધારે તેમણે રાત્રે જ અનેક સ્થળે દરોડા પાડીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ચારેય આરોપી યુવકો પંકજ, પવન, રંજન અને ગોવિંદા ચક્કરપુર વિસ્તારના રહેવાસી છે. પવન એક ઓફિસમાં ઓફિસ બૉય તરીકે કામ કરે છે જ્યારે બાકીના ત્રણ આરોપી યુવકો ઝૉમેટો અને સ્વિગીમાં ડિલીવરી બૉયનું કામ કરે છે.

national news Crime News haryana gurugram zomato swiggy