12 December, 2023 10:44 AM IST | Bangalore | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામી
બૅન્ગલોર : હિન્દીભાષી રાજ્યોમાં પરાજયનો સામનો કરી રહેલી કૉન્ગ્રેસને સાઉથમાંથી બળ મળ્યું છે. પાર્ટી તેલંગણની જીતથી સંતોષ માની રહી છે અને કર્ણાટકના મૉડલના પ્રભાવની વાતો કરી રહી છે. દરમ્યાન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામીના એક સ્ટેટમેન્ટથી આ રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારનું પતન થશે. કુમારસ્વામીએ હાસનમાં દાવો કર્યો હતો કે શાસક કૉન્ગ્રેસના એક વગદાર પ્રધાન કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાંથી બચવા ઇચ્છે છે, જેના કારણે તેઓ બીજેપીમાં સામેલ થઈ શકે છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ દાવો કર્યો છે કે આ પ્રધાન ૫૦થી ૬૦ વિધાનસભ્યોની સાથે કૉન્ગ્રેસ પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થઈ શકે છે અને અત્યારે બીજેપીના લીડર્સની સાથે વાતચીત ચાલી રહી છે.
મહારાષ્ટ્ર પાર્ટ-ટૂ?
આ લીડરે રિપોર્ટર્સને જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સરકારમાં ‘ઑલ ઇઝ વેલ’ નથી. મને ખ્યાલ નથી કે આ સરકારનું ક્યારે પતન થશે. એક વગદાર પ્રધાન પોતાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસથી બચવા માટે આતુર છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પ્રધાનની વિરુદ્ધ એવા કેસ દાખલ કર્યા છે કે જેનાથી તેમના માટે બચવું મુશ્કેલ છે. કર્ણાટકમાં કોઈ પણ સમયે મહારાષ્ટ્રનું પુનરાવર્તન થઈ શકે છે.’ નોંધપાત્ર છે કે મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જૂનમાં શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના પરિણામે ૨૦૨૨ની ૨૯ જૂને ઉદ્ધવે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને એકનાથ શિંદે ગ્રુપે બીજેપીની સાથે મળીને નવી સરકાર રચી હતી. હવે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ કર્ણાટકમાં રચાશે એવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક રાજકીય પંડિતો આ દાવાને ફગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપી એવું કંઈ જ નહીં કરે કે જેનાથી લોકોમાં મેસેજ જાય કે સત્તા મેળવવા માટે એ કોઈ પણ હદે જઈ
શકે છે.
વિધાનસભામાં કેવી સ્થિતિ છે?
આ વર્ષે મે મહિનામાં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૧૩૫ સીટ્સ મળી હતી. બીજેપીની પાસે ૬૬ સીટ્સ અને જનતા દળ (એસ)ની પાસે ૧૯ સીટ્સ છે.