યોગી અને અખિલેશને છોડીને માયાવતીના નિશાના પર માત્ર પ્રિયંકા ગાંધી શા માટે?

26 January, 2022 09:59 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

માયાવતી વારંવાર કૉન્ગ્રેસને ટાર્ગેટ કરી રહ્યાં છે

માયાવતી

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભલે બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતી પર ખાસ ફોકસ નથી. જોકે તાજેતરનાં તેમનાં નિવેદનો પર એક નજર કરીએ તો સ્પષ્ટ જણાય કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને બદલે મોટા ભાગે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીને જ ટાર્ગેટ કરી રહ્યાં છે. 
માયાવતીએ વધુ એક વખત તાજેતરમાં મતદાતાઓને કૉન્ગ્રેસને બદલે બહુજન સમાજ પાર્ટીને મત આપવાની અપીલ કરી હતી. નોંધપાત્ર છે કે તાજેતરમાં મુખ્ય પ્રધાનપદ માટેના કૉન્ગ્રેસના ચહેરા વિશે સવાલ કરવામાં આવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘શું તમને ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસ તરફથી બીજો કોઈ ચહેરો જોવા મળે છે?’ તેમણે બાદમાં આ નિવેદન વિશે કહ્યું હતું કે આ વાત તેમણે અકળાઈને કહી હતી. 
હવે માયાવતીએ એને લઈને એક ટ્વીટ પણ કર્યું હતું કે ‘યુપીની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાર્ટીની હાલત એટલી ખરાબ થઈ છે કે તેમની સીએમની ઉમેદવારે થોડા કલાકોમાં જ પોતાનું સ્ટૅન્ડ બદલ્યું છે. એવામાં લોકો કૉન્ગ્રેસને વોટ આપીને પોતાનો વોટ ખરાબ ન કરે. બલ્કે બીએસપીને જ વોટ આપે.’
બીજી તરફ પ્રિયંકાએ પણ વિધાનસભાની ચૂંટણીમાં માયાવતી અને તેમની પાર્ટી નિષ્ક્રિય હોવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મજેદાર વાત એ છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે તો બીજેપી અને સમાજવાદી પાર્ટીની વચ્ચે જોરદાર ટક્કર હોય એમ જણાઈ રહ્યું છે ત્યારે માયાવતી પ્રિયંકા ગાંધીને જ કેમ વધુ ટાર્ગેટ કરે છે?
વાસ્તવમાં કૉન્ગ્રેસ અને બીએસપી બન્નેની વોટ-બૅન્કનો ઘણોખરો આધાર દલિતો છે. દલિત મતો માટે આ બન્ને પાર્ટી વચ્ચે ટક્કર ચાલી રહી છે. જો બીએસપી પાસેથી આ વોટ-બૅન્ક જતી રહે તો એનાથી કૉન્ગ્રેસને લાભ થવાની શક્યતા છે. એટલા માટે જ માયાવતી વારંવાર કૉન્ગ્રેસને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ રાજ્યમાં લગભગ ૨૨ ટકા દલિત વસ્તી છે. તમામ પાર્ટીઓની ખાસ નજર આ વોટ-બૅન્ક પર રહેલી છે.  

national news assembly elections priyanka gandhi mayawati yogi adityanath akhilesh yadav