અમેરિકન સિલિકૉન વૅલી બૅન્કને તાળાં લાગવાથી ભારતમાં ચિંતા શા માટે વધી?

12 March, 2023 09:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અનેક ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સમાં સિલિકૉન વૅલી બૅન્કના રૂપિયા રહેલા છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

નવી દિલ્હી : અમેરિકામાં વધુ એક વખત બૅન્કિંગ ક્રાઇસિસ સર્જાઈ છે. અમેરિકન રેગ્યુલેટર્સે અમેરિકાની સૌથી મોટી બૅન્કોમાંથી એક સિલિકૉન વૅલી બૅન્કને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ બૅન્કની ફાઇનૅન્શિયલ કન્ડિશન જોતાં કૅલિફૉર્નિયાના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનૅન્શિયલ પ્રોટેક્શન ઍન્ડ ઇનોવેશન તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. સિલિકૉન વૅલી બૅન્ક અમેરિકાની ૧૬મી સૌથી મોટી બૅન્ક છે. અમેરિકાની આ બૅન્કને તાલાં લાગવાથી માત્ર અમેરિકાને અસર નહીં થાય, બલકે દુનિયાના અનેક દેશો પર એની અસર થશે. એનાથી ભારતીય રોકાણકારોની ચિંતા પણ વધી ગઈ છે.

આ ક્રાઇસિસથી ભારતીય રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સનું ટેન્શન વધી ગયું છે. વાસ્તવમાં અનેક ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સમાં સિલિકૉન વૅલી બૅન્કના રૂપિયા રહેલા છે. આ બૅન્કની ખરાબ હાલતની અસર હવે આ સ્ટાર્ટઅપ પર પડી શકે છે.

ભારતમાં આ બૅન્કે લગભગ ૨૦ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સ્ટાર્ટઅપ રિસર્ચ ઍડ્વાઇઝરી Tracxn અનુસાર ૨૦૦૩માં આ બૅન્કે ૨૦૦૩માં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું હતું. ભારતમાં સૌથી મહત્ત્વનું રોકાણ એસએએએસ-યુનિકૉર્ન આઇસર્ટિસમાં છે. એ સિવાય બ્લુસ્ટોન, પેટીએમ, વન97 કમ્યુનિકેશન્સ, પેટીએમ મૉલ, નાપતોલ અને ભારત ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝનમાં આ બૅન્કનું રોકાણ છે. ચોક્કસ જ આ બૅન્ક બંધ થવાને કારણે રોકાણકારોની ચિંતા વધશે.

આ બૅન્ક ટેક્નૉલૉજી કંપનીઓ અને રોકાણકારો માટે મહત્ત્વનું પાર્ટનર છે. ટ્રેડિશનલ બૅન્કને જે સ્ટાર્ટઅપ ખૂબ જ જોખમી લાગે છે એને આ બૅન્ક લોન આપે છે. એટલા માટે સ્ટાર્ટઅપ્સ માટે આ બૅન્ક મહત્ત્વનો પિલર છે. આ બૅન્કના કસ્ટમર્સ શુક્રવારે બૅન્કમાં ગયા ત્યારે એના દરવાજા બંધ હતા. આ બૅન્કે બુધવારે જણાવ્યું હતું કે એ ભંડોળ મેળવશે. જેના પછી સ્થિતિ વધારે વણસી ગઈ હતી. હવે તો સમગ્ર અમેરિકાના બૅન્કિંગ સેક્ટરમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

ઇલૉન મસ્ક સિલિકૉન વૅલી બૅન્ક ખરીદવા માટે વિચાર કરવા તૈયાર

અમેરિકન ગ્લોબલ ગેમિંગ હાર્ડવેર મૅન્યુફૅક્ચરિંગ કંપની રેઝરના સીઈઓ મિન-લિઆંગ ટેને સૂચવ્યું છે કે ટ્વિટરે સિલિકૉન વૅલી બૅન્કને ખરીદવા અને એને ડિજિટલ બૅન્કમાં કન્વર્ટ કરવા માટે વિચાર કરવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે ટ્વિટરના ચીફ ઇલૉન મસ્કે આ ટ્વીટનો જવાબ આપતાં લખ્યું હતું કે ‘હું આ આઇડિયા પર વિચાર કરવા તૈયાર છું.’

૩૪૪૪.૭૮ અબજ વિધડ્રૉ કરવાની કોશિશ

ઇન્વેસ્ટર્સ અને ડિપોઝિટર્સે ગુરુવારે સિલિકૉન વૅલી બૅન્કમાંથી ૪૨ અબજ ડૉલર (૩૪૪૪.૭૮ અબજ રૂપિયા) વિધડ્રૉ કરવાની કોશિશ કરી હતી. ૯ માર્ચના અંતે આ બૅન્ક પાસે ૯૫.૮૦ કરોડ ડૉલર (૭૮૫૭.૩૮ કરોડ રૂપિયા)નું નેગેટિવ કૅશ બૅલૅન્સ હતું.

national news delhi