બધા કૉક્રૉચની જેમ બધા બાઇક અને કારમાલિકો એકસાથે આવી જાય તો?

27 July, 2026 07:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જનતા પાર્ટીની જેમ હવે બની E20 જનતા પાર્ટી ઃ E20 ફ્યુઅલને બદલે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ એવી ડિમાન્ડ

E20 પૉલિસી સામે ૬ જુલાઈએ દિલ્હીના જંતરમંતર પર પ્રતીકાત્મક વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પહેલાં પરીક્ષામાં પેપર-લીકનો મુદ્દો હતો, હવે મામલો ફ્યુઅલ ટૅન્કનો છે. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ને મળેલી સફળતા બાદ હવે E20 જનતા પાર્ટી નામનું એક નવું ગ્રુપ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઍક્શનમાં આવ્યું છે. આ ગ્રુપે એથનૉલ-મિશ્રિત પેટ્રોલને બદલે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ માગ્યો છે. E20 પેટ્રોલની આસપાસના વિવાદ વચ્ચે આ જૂથ ઊભરી આવ્યું છે.

ફ્યુઅલ-સ્ટેશનો હવે ફક્ત E20 પેટ્રોલ વેચી રહ્યાં હોવાથી યુઝર્સનું કહેવું છે કે તેમની પસંદગી છીનવાઈ ગઈ છે. CJPની જેમ જ રમૂજી અને મીમ-આધારિત વિરોધ-શૈલી અપનાવીને E20 જનતા પાર્ટી E20 પેટ્રોલ પર લોકોની હતાશાને એક મોટા આંદોલનમાં ફેરવી રહી છે. એને આશા છે કે વ્યંગ અને સામૂહિક વિરોધ ફરી એક વાર સરકારને પીછેહઠ કરવાની ફરજ પાડી શકે છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો પાસે બળતણ નીતિઓમાં પારદર્શિતા અને ફ્યુઅલની પસંદગી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જેમ નાગરિકો પાસે અન્ય ઘણાં ઉત્પાદનોમાં પસંદગી હોય છે એમ તેમને તેમની પસંદગીનું ફ્યુઅલ ખરીદવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

શું છે E20 જનતા પાર્ટી?

સોશ્યલ મીડિયા પર કરેલી એક લાંબી પોસ્ટ મુજબ E20 જનતા પાર્ટી નાગરિકોના નેતૃત્વવાળું ગ્રાહક અધિકાર આંદોલન છે. એના પોસ્ટરમાં લખ્યું છે કે અમે સબસિડી, મફત ફ્યુઅલ કે એથનૉલ-મિ‌‌‌િશ્રત ફ્યુઅલ હટાવવાની માગણી નથી કરી રહ્યા, અમે ગાહકોને વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવાની માગણી કરી રહ્યા છીએ.

હજી સુધી આ પાર્ટી કોઈ વ્યવ‌સ્થિત સંગઠન તરીકે ઊભરી નથી. એનો સંસ્થાપક કોણ છે એ પણ બહાર નથી આવ્યું.

CJP સાથે સરખામણી કેમ?

CJP જ્યારે બની ત્યારે એ વ્યંગાત્મક અને મીમ-બેઝ્ડ જ હતી. ૧૬ મેએ અભિજિત દીપકેએ કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું, ‘શું થશે જો બધા કૉક્રૉચ એકસાથે આવી જાય?’ આ જ પોસ્ટને શૅર કરીને E20 જનતા પાર્ટીએ લખ્યું છે, ‘શું થશે જો બધા જ બાઇક/કારમાલિકો એકસાથે આવી જાય?’ 

ડિમાન્ડ શું છે?

૧૦૦ ટકા પેટ્રોલ ખરીદવાનો ઑપ્શન ફ્યુઅલ-સ્ટેશન્સ પર ફરીથી શરૂ થવો જોઈએ.

ફ્યુઅલ પર ટ્રાન્સપરન્ટ લેબલિંગ થાય એ સુનિશ્ચિત કરો જેથી કસ્ટમર્સને ખબર પડે કે તેઓ શું ખરીદી રહ્યા છે.

ફ્યુઅલમાં મિશ્રણને કારણે થતી અસરો, ફાયદાઓ અને કૉસ્ટ વિશે સ્પષ્ટ અને સૌને પ્રાપ્ય હોય એવો ડેટા પ્રકાશિત કરો.

માઇલેજ, એન્જિન અને પર્ફોમન્સ, એમિશન અને મેઇન્ટેનન્સ વિશે સ્વતંત્ર સ્ટડી કન્ડક્ટ કરીને એનો ડેટા જાહેર કરવામાં આવે.

એક જ ઑપ્શન આપીને નાગરિકોની પસંદને મર્યાદિત કરવાને બદલે તેમને પોતાનો નિર્ણય સભાનપણે લેવાની છૂટ આપો. 

cockroach janata party petrol diesel price national news news indian government