Weather Update:આજથી પાંચ દિવસ સુધી આંધી-તૂફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં

16 March, 2023 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

દેશના ઘણા રાજ્યોમાં હવામાન પહેલા કરતા થોડું ખુશનુમા બની ગયું છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. રાજધાની દિલ્હી (Delhi)ની વાત કરીએ તો અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.

16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.

આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 16 થી 19 માર્ચ 2023 દરમિયાન વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્વિટ્ઝરલૅન્ડના આ ગામમાં રહેવા માટે ઑથોરિટી સામેથી લાખ્ખો રૂપિયા આપી રહી છે

પહાડી રાજ્યોમાં વરસાદ સાથે જોરદાર પવન

આ સિવાય તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 16 થી 19 માર્ચ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદ, આંધી અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.

national news maharashtra Weather Update south delhi