09 August, 2025 01:25 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીએ આદિત્ય શ્રીવાસ્તવ નામની વ્યક્તિ ચાર રાજ્યમાં મતદાર હોવાનો દાવો કર્યો હતો.
ગુરુવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ઇલેક્શન કમિશન દ્વારા કથિત રીતે BJPને જિતાડવા વોટ-ચોરી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂક્યો હતો. આ કૉન્ફરન્સમાં તેમણે કેટલીક વિગતો આપી હતી કે કેવી રીતે આ વોટ-ચોરી થાય છે. રાહુલ ગાંધીએ આ કૉન્ફરન્સમાં આદિત્ય શ્રીવાસ્તવ નામના મતદારનો ઉલ્લેખ કર્યો હતો કે આ એક જ નામનો મતદાર લખનઉમાં, મુંબઈમાં અને બે વાર કર્ણાટકમાં એમ ચાર જગ્યાએ જોવા મળે છે.
જોકે રાહુલ ગાંધીના આ દાવાની પોલ ગઈ કાલે આદિત્ય શ્રીવાસ્તવે પોતે મીડિયા સામે આવીને ખોલી હતી. આદિત્યએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીને કોઈ અધિકાર નથી તેમની પ્રાઇવેટ ડિટેઇલ્સ આ રીતે જાહેર કરે. હું પોતે લખનઉનો રહેવાસી છું. નોકરી માટે ૨૦૧૬માં મુંબઈ હતો ત્યારે મેં મારું વોટર-આઇડી ઇલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઇટ પરથી મુંબઈ શિફ્ટ કરાવ્યું હતું. ૨૦૨૧થી હું નોકરી માટે બૅન્ગલોરમાં રહું છું એટલે ત્યારથી વોટર-આઇડી અહીં શિફ્ટ કરવાથી હું અહીં મતદાન કરું છું. મેં દરેક ચૂંટણીમાં એક-એક વાર જ મત આપ્યો છે. મારો વોટર-આઇડી નંબર તો પહેલાંથી એક જ છે. આરોપો મૂકતાં પહેલાં કંઈક તો સમજો.’