16 May, 2025 08:07 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
આર્મીમૅનને પગે લાગતો ટબુકડી કન્યાનો ફરી વાઇરલ થયેલો જૂનો વિડિયો આજની પરિસ્થિતિ માટે પર્ફેક્ટ છે
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં માંડ ડગલું માંડતાં શીખેલી દોઢ-બે વર્ષની કન્યા ઉત્સાહથી ઊછળતી ચાલે જ્યાં સોલ્જર્સ ઊભા છે ત્યાં જાય છે. ઘડીક થંભે છે અને આર્મી મૅનની સામે જુએ છે. સ્વાભાવિકપણે સોલ્જરની નજર પણ આ બાળકી તરફ પડતાં તરત જ સોલ્જર નીચા નમીને તેના ગાલે એક આંગળી લગાવે છે. એ પછી બાળકી નીચે નમીને સોલ્જરના પગને હાથ લગાવીને એ હાથ પોતાના માથે લગાવે છે. બાળકીની આ હૃદયસ્પર્શી ચેષ્ટાથી સોલ્જર તેના માથે વહાલથી બેઉ હાથ ફેરવે છે.
હાલના તંગ વાતાવરણમાં આર્મી મૅન પ્રત્યેનો આ ભાવ કદાચ દરેક ભારતીયના દિલને વાચા આપી રહ્યો હશે. સોલ્જરને પગે લાગવાની ક્યુટ બાળકીની ચેષ્ટા ભલભલાનું હૃદય ભીંજવી જાય એવી છે. આ વિડિયો આમ તો ૨૦૨૨માં બૅન્ગલોરના રાજકારણી પી. સી. મોહને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. બૅન્ગલોરના મેટ્રો સ્ટેશન પાસે બનેલી આ ઘટના શૅર કરીને પી. સી. મોહને લખેલું, ‘બાળકના મનમાં દેશભક્તિનાં બીજ રોપવાં એ આ મહાન દેશમાં રહેતા દરેક પેરન્ટ્સની ફરજ છે.’