03 May, 2025 03:38 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
VHPના કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા પછી તેનો પાર્થિવ દેહ ગઈ કાલે તેના વતન મૅન્ગલોર લઈ જવામાં આવ્યો હતો.
કર્ણાટકમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તા સુહાસ શેટ્ટીની ગુરુવારે સાંજે હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ VHPએ બંધનું એલાન કર્યું હતું, જેને દક્ષિણ કન્નડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાળવામાં આવ્યું હતું. બંધના એલાન પહેલાં જ પોલીસે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં દુકાનો પહેલેથી જ બંધ રાખવાનો આગ્રહ કર્યો હતો. જોકે આ દરમ્યાન અમુક વિસ્તારોમાં જાહેર બસ પર પથ્થરમારો કરવાની અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી હતી જેને કારણે અનેક બસસેવા બંધ કરવી પડી હતી.
આ ઘટના બાદ કર્ણાટક સરકારે આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. મુખ્ય પ્રધાને સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે જલદી હત્યારા સુધી પહોંચીને તેની ધરપકડ કરવામાં આવશે. આ મુદ્દે BJPના સંસદસભ્ય બ્રજેશ ચૌટાએ ગૃહપ્રધાન અમિત શાહને આ મામલાની તપાસ NIAને સોંપવાની માગણી કરી હતી.