14 February, 2026 08:57 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ત્રિશૂળ આકારની ફ્લડલાઇટ્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલા વારાણસી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ ત્રિશૂળ આકારની લગાવવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં સચિન તેન્ડુલકર જેવા ક્રિકેટ-દિગ્ગજો સાથે આ સ્ટેડિયમનો પાયો નાખ્યો હતો.
ગંગા નદીના કિનારે આવેલા ગંજરીમાં બાંધવામાં આવી રહેલા આ સ્ટેડિયમની ડિઝાઇન પણ ભગવાન શિવથી પ્રેરણા લે છે. સ્ટેડિયમને અનન્ય બનાવતી વસ્તુ એનું પ્રતીકાત્મક સ્થાપત્ય છે. સ્ટેડિયમની છતનું માળખું ભગવાન શિવના કપાળ પર દર્શાવવામાં આવેલા અર્ધચંદ્રાકાર ચંદ્રથી પ્રેરિત છે. સ્ટેડિયમનો બેઠક લેઆઉટ ઘાટના પ્રતિષ્ઠિત પગથિયાંને પ્રતિબિંબિત કરે છે અને બિલ્વ પત્રની પૅટર્ન અને ડમરુ-થીમ આધારિત મીડિયા સેન્ટર બાંધવામાં આવી રહ્યું છે. લગભગ ૩૦,૦૦૦ લોકોની અંદાજિત બેઠક-ક્ષમતા સાથે આ સ્થળ આંતરરાષ્ટ્રીય મૅચોનું આયોજન કરે એવી અપેક્ષા છે અને પૂરું થયા પછી IPLની મૅચો પણ અહીં રમાડવામાં આવશે.