૧ ઑક્ટોબરથી વ્યક્તિગત રીતે UPI દ્વારા પૈસા માગવાની રિક્વેસ્ટ મોકલી નહીં શકાય

16 August, 2025 07:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એનો મતલબ એ કે હવે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી UPI દ્વારા પૈસા માગવાની રિક્વેસ્ટ મોકલી નહીં શકે. 

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ઍપ્લિકેશન્સને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઑક્ટોબરથી UPI ઍપ્લિકેશન્સમાં સૌથી વધારે વપરાતા પિયર-ટુ-પિયર (P2P) ટ્રાન્ઝૅક્શન્સ ફીચરને બંધ કરવામાં આવી રહ્યું છે. એનો મતલબ એ કે હવે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી UPI દ્વારા પૈસા માગવાની રિક્વેસ્ટ મોકલી નહીં શકે. 

P2P કલેક્ટ રિક્વેસ્ટ શું છે?

આ એક એવી સુવિધા છે જેમાં UPI યુઝર બીજા કોઈ યુઝર પાસે પૈસા માગવા માટે રિક્વેસ્ટ મોકલે છે. રિક્વેસ્ટ મળવા પર પૈસા આપનારી વ્યક્તિ પોતાનો UPI પિન એન્ટર કરીને પેમેન્ટને મંજૂરી આપે છે. આ ફીચરનો ફ્રૉડ કરનારા લોકો દ્વારા દુરુપયોગ થતો હતો. ઠગો અજાણ્યા લોકોને રિક્વેસ્ટ મોકલતા હતા અને રિક્વેસ્ટ મેળવનાર વ્યક્તિ ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દેતી હતી. વધી રહેલા સાઇબર ફ્રૉડને કારણે હવે NPCIએ પિયર–ટુ-પિયર કલેક્ટ રિક્વેસ્ટ ૧ ઑક્ટોબરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ માત્ર વ્યક્તિગત યુઝર્સ માટે જ લાગુ પડશે. ફ્લિપકાર્ટ, ઍમૅઝૉન, સ્વિગી, IRCTC કે અન્ય મર્ચન્ટ્સ કે જે બિઝનેસ માટે કલેક્ટ રિક્વેસ્ટ મોકલે છે એ હજી પણ ચાલુ રહેશે. વ્યક્તિગત ધોરણે પૈસાની લેવડદેવડ માટે P2P ક્લેક્ટ રિક્વેસ્ટ બંધ કરવામાં આવી છે, પરંતુ UPI દ્વારા તેઓ QR કોડ સ્કૅન કરીને કે UPI ID થકી પેમેન્ટ પહેલાંની જેમ જ કરી શકશે.

શું અને કોને અસર થશે?

પહેલાં લોકો આ ફીચર દ્વારા દોસ્તો વચ્ચે નાની-મોટી રકમ માગવાનું કે ગ્રુપ-આઉટિંગનો ખર્ચ વહેંચવાનું કામ કરતા હતા, પણ હવે એ સુવિધા નહીં રહે. જોકે UPIમાં સ્પ્લિટ પેમેન્ટનો ઑપ્શન છે એ વાપરી શકાશે. નાના દુકાનદારો કે જેઓ વ્યક્તિગત ખાતાંઓ થકી ક્લેક્ટ રિક્વેસ્ટ મોકલતા હતા તેમણે હવે મર્ચન્ટ અકાઉન્ટ જ વાપરવું પડશે.  

national news news finance news cyber crime