22 May, 2025 02:24 PM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ગ્વાલિયરમાં એક ભાઈ કલેક્ટરની ઑફિસમાં હાથમાં એક મોટું પોસ્ટર લઈને પહોંચી જાય છે અને પત્ની કેટલી હેરાન કરે છે એની આપવીતી સંભળાવે છે. તેના હાથમાં પોસ્ટર છે જેમાં પત્નીનાં કારનામાંઓ કેટલાક ફોટોગ્રાફ્સના પુરાવાઓ સાથે ચોંટાડેલાં છે. ગ્વાલિયરનો અમિત સેન નામનો માણસ કલેક્ટર રુચિકા ચૌહાણને આ પોસ્ટર દેખાડે છે જેમાં પત્ની પર તેણે ગંભીર આરોપો
લગાવ્યા છે. અમિતનું કહેવું છે કે પત્ની અત્યાર સુધીમાં ચાર બૉયફ્રેન્ડ બનાવી ચૂકી છે અને અત્યારે તેને છોડીને રાહુલ બાથમ નામના બૉયફ્રેન્ડ સાથે લિવ-ઇનમાં રહે છે. તેના બૉયફ્રેન્ડ અને પત્નીએ મળીને દીકરા હર્ષની હત્યા કરી નાખી હતી અને હવે નાના દીકરાને પોતાની સાથે રહેવા લઈ ગઈ છે.
અમિતનું કહેવું છે કે હું તેનો વિરોધ કરું છું અને દીકરાને પાછો સોંપવા કહું છું તો બ્લુ ડ્રમવાળો કાંડ મારી સાથે કરવાની ધમકી આપે છે. કલેક્ટરે તેને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘પતિ-પત્ની વચ્ચેના વિવાદને સુલઝાવવા માટે પહેલાં કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરાવીશું જેથી ઘર તૂટવાથી બચી શકે.’