24 July, 2024 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં બિહારના વિકાસ માટે આશરે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
આ સ્કીમો માટે ‘પૂર્વોદય’ એવું નામ આપીને પૂર્વ ભારતનાં વિવિધ રાજ્યો જેવાં કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશનો ઉલ્લેખ કરીને નાણાપ્રધાને કહ્યું હતું કે વિવિધ યોજનાઓથી આ રાજ્યોને ફાયદો થશે અને કેન્દ્ર સરકારના વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે વેગ મળશે.
બિહારના મુદ્દે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર અમ્રિતસર-કલકત્તા ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર બનાવી રહી છે જેમાં ગયામાં ઇન્ડસ્ટ્રિયલ હબ બાંધવામાં આવશે. એનાથી ગયામાં આમૂલ પરિવર્તન આવશે. ગયાનું સાંસ્કૃતિક મહત્ત્વ કાયમ રખાશે અને ‘વિકાસ ભી, વિરાસત ભી’નો ઉદ્દેશ પણ પૂરો કરાશે.’
બિહારમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે અને બક્સર-ભાગલપુર એક્સપ્રેસવે બાંધવામાં આવશે અને બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે લેનનો બ્રિજ બાંધવામાં આવશે. આ સિવાય ભાગલપુરની પાસે પીરપેંતીમાં ૨૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૪૦૦ મેગાવૉટનો થર્મલ પાવર પ્લાન્ટ બાંધવામાં આવશે. બિહારમાં ઍરપોર્ટ, મેડિકલ કૉલેજ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બૅન્કો માટે બિહાર સરકારની વિનંતીને ઝડપથી પૂરી કરાશે.