ઝારખંડના પુર્વ CM રઘુબર દાસના હારવા પાછળ આ પાંચ મુખ્ય કારણો

24 December, 2019 07:24 PM IST  |  Jharkhand | Adhirajsinh Jadeja

ઝારખંડના પુર્વ CM રઘુબર દાસના હારવા પાછળ આ પાંચ મુખ્ય કારણો

રઘુબર દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...

ઝારખંડમાં ભાજપનો કારમો પરાજય થયો છે. ત્યારે કોંગ્રેસ અને ગઠબંધન હવે રાજ્યમાં સરકાર બનાવશે. મળતી માહિતી મુજબ 27 ડિસેમ્બરના રોજ હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાનસભા ચુંટણીમાં ભાજપના પુર્વ મુખ્યપ્રધાન રઘુબર દાસ પોતાની સીટ પણ બચાવી ન શક્યા. તેમને ભાજપના જ બળવાખોર નેતા સરયુ રાયે 15 હજાર વોટથી માત આપી હતી. આખરે એવું તે શું કારણ છે કે, સતત પાંચ વખત જીતેલા રઘુવર દાસને મુખ્યપ્રધાન હોવા છતાં પણ આવી કારમી હારનો સામનો કરવો પડ્યો.

દાસના હારની પાછળ તેમનું અહંકારી વલણ અને કામ ઓછું ને વાયદા વધુની સ્થિતી જવાબદાર
રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રઘુબર દાસની હાર પાછળ તેમનું અહંકારી વલણ અને વિકાસના નામ પર વાસ્તવિકતા ઓછી અને વાયદા વધુ જેવી સ્થિતી જવાબદાર છે. તેમની સરકારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવી બુનિયાદી જરુરિયાતો પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું જ નથી.

ટિકીટોની વહેંચણી પણ મુખ્ય કારણ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ભાજપની હારનું મુખ્ય કારણ આજસૂ સાથે ગઠબંધન તૂટવું તે સૌથી મોટું કારણ છે. કારણ કે, પ્રદેશની વિવિધતા જોતા અહીં ગઠબંધન સરકાર જ ચાલી શકે, જેને પારખી વિપક્ષે મહાગઠબંધન કરી રાજ્ય પર કબ્જો જમાવી લીધો. ટિકિટોની વહેંચણી પણ એક મોટું કારણ છે.

રઘુબર દાસની હારના મુખ્ય પાંચ કારણો
1)
 બુનિયાદો સુવિધાઓ પર ધ્યાન ન આપવું
રઘુબર દાસે શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી મૂળભૂત સુવિધાઓ પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું જ નથી. એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, રાંચી સ્થિત રિમ્સમાં પણ ડૉક્ટરોની ભરતી કરી નથી. શિક્ષણ અને સ્વાસ્થ્યના નામ પર સરકારે ફક્ત જાહેરાતો જ આપી છે. હકીકતમાં જોવો તો આ ક્ષેત્રમાં કોઈ કામ જ થયા નથી.

2) રઘુબરની અલોકપ્રિયતા અને સરકાર સામે અસંતોષ
ઝારખંડમાં હાર માટે રઘુવર દાસની છબી મોટી ભૂમિકા ભજવી ગઈ. પાર્ટી નેતાઓ તો ઠીક પણ સામાન્ય જનતા સાથે પણ તેમને આત્મિય સંબંધો રહ્યા ન હોતા. સરયુ રાય સહિત પાર્ટી સંગઠનના અમુક નેતા હાઈકમાન્ડ સુધી રઘુવરની ફરિયાદો કરતા રહેતા હતા,પણ કશુંય થયું નહી. પરિણામ અસંતોષ રાજ્યમાં વધતો ગયો. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવી બુનિયાદી જરુરિયાતો પર વ્યવસ્થિત ધ્યાન ન આપ્યું જેનું પરિણામ હારમાં આવ્યું. રઘુવર દાસની સરકારમાં આંગણવાડી કાર્યકર્તા અને ફિક્સ પગારના શિક્ષકો પર લાઠીચાર્જની ઘટના થઈ છે. જેના કારણે ગામડે ગામડે અને ઘર ઘરમાં સરકાર સામે અસંતોષ વ્યાપી ગયો હતો.

3) બ્યૂરોક્રેસી પણ નારાજ
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રઘુવર દાસની અહંકારી પ્રવૃતિને કારણે સામાન્ય લોકો તો ઠીક બ્યૂરોક્રેસી પણ નાખુશ રહ્યું છે.

4) ભૂમિ અધિગ્રહણના કાયદામાં સંશોધન
રઘુવર દાસની સરકારે આદિવાસીઓની જમીનના અધિકાર માટે બનેલા કાયદામાં વિરોધ થવા છતાં પણ સંશોધન કર્યુ. જેના કારણે આદિવાસીઓના એક મોટા ભાગમાં એવો સંદેશો વહેતો થયો કે, ભાજપ સરકાર તેમના જલ, જંગલ અને જમીનથી વંચિત રાખવા માગે છે. વિપક્ષે આને મુદ્દો બનાવ્યો. બાદમાં પરિસ્થિતીને ધ્યાને રાખતા રાષ્ટ્રપતિએ સીએનટી અને એસપીટી જેવા બિલ પર સહી કર્યા વગર જ પાછા મોકલી દીધા.

5) મોબ લિંચિંગથી જનતામાં અસુરક્ષાની ભાવના
એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આ સરકારમાં મોબ લિચિંગની ઘટનાઓથી લોકો ઘણા નારાજ હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઝારખંડમાં સામાજિક તાણાવાણાને બરાબર સમજી શકી નહોતી, જેના કારણે દૂર દૂરના આદિવાસીઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો હતો. જો અર્જૂન મુંડાને મુખ્ય પ્રધાન બનાવ્યા હોત તો રાજ્યમાં આજે ભાજપ વધુ સારી સ્થિતીમાં હોત.

national news narendra modi jharkhand