રાજ્યપાલ કાર્યક્રમમાં ભાગ લીધા વગર જ પાછા ફર્યા

25 December, 2019 10:39 AM IST  |  Mumbai Desk

રાજ્યપાલ કાર્યક્રમમાં ભાગ લીધા વગર જ પાછા ફર્યા

કલકત્તાની જાધવપુર યુનિવર્સિટી કૅમ્પસમાં ગઈ કાલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. (તસવીર : પી.ટી.આઇ.)

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ કુલપતિ તરીકે આજે એક મહત્ત્વની બેઠકમાં ભાગ લેવા માટે જાધવપુર યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી તેઓ બેઠકમાં ભાગ લીધા વગર જ પરત ફર્યા હતા. સોમવારની જેમ ગઈ કાલે પણ વિદ્યાર્થીઓએ તેમના કાફલાનો રસ્તો રોક્યો હતો. તેઓ ઘણી વાર સુધી યુનિવર્સિટીની બહાર ફસાઈ ગયા હતા. આ સિવાય તેમનો કાળા ઝંડા દર્શાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને નારેબાજી કરવામાં આવી હતી. પરત ફરતાં પહેલાં તેમણે કહ્યું હતું કે એક ચાન્સેલર અને રાજ્યપાલ તરીકે આ ક્ષણ મારા માટે ખૂબ પીડાદાયક છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે. સરકારે શિક્ષણને બંધક બનાવી દીધું છે.

વિરોધ દરમ્યાન રાજ્યપાલે ત્રણ ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે જાધવપુર યુનિવર્સિટી હું આવ્યો છું, કારણ કે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળી શકે અને તેઓ સમાજમાં તેમનું યોગદાન આપી શકે. દુર્ભાગ્યથી યુનિવર્સિટીની અંદર આવેલા કાર્યક્રમ સ્થળનો રસ્તો રોકવામાં આવ્યો છે. એ ઉપરાંત તેમની સામે કાર્યવાહીનાં કોઈ પગલાં પણ લેવામાં આવ્યાં નથી. અહીંની સ્થિતિ ચિંતાજનક છે.
બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે રસ્તો રોકનાર લોકોની સંખ્યા માત્ર પચાસની આજુબાજુ જ હતી. સિસ્ટમને બંધક બનાવી દેવામાં આવી છે અને કાર્યકાળથી જોડાયેલા લોકો તેમની જવાબદારી જાણતા નથી. આ એક એવા પ્રકારનું પતન છે જે માત્ર અનઇચ્છનીય પરિણામોને જન્મ આપી શકે છે. અહીં ક્યાંય કાયદાના નિયમો દેખાતા નથી.

kolkata national news